હવે ઈઝરાયેલે ગાઝાની યુનિવર્સિટીને પણ એર સ્ટ્રાઈકમાં તબાહ કરી
Image Source: Twitter
તેલ અવીવ, તા. 5 નવેમ્બર 2023
હમાસ સાથેના યુધ્ધ વચ્ચે ગાઝામાં એવી કોઈ જગ્યા નથી રહી જ્યાં ઈઝરાયેલે એર સ્ટ્રાઈક ના કરી હોય.
હવે ઈઝરાયેલે ગાઝાની અલ અઝહર યુનિવર્સિટી પર પણ બોમ્બ વરસાવીને તેને બરબાદ કરી નાખી છે. તેનો વિડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ઈઝરાયેલા બોમ્બ કઈ રીતે યુનિવર્સિટીને તબાહ કરી નાંખે છે. જોકે તેમાં કોઈ સ્ટુડન્ટસ માર્યા ગયા છે કે કેમ તેની જાણકારી હજી સામે આવી નથી. ઈઝરાયેલે દાવો કર્યો છે કે, અહીંયા યુવાઓને કટ્ટરવાદી બનાવવાનુ શિક્ષણ અપાતુ હતુ અને અહીંયા હથિયારોનો જથ્થો પણ રાખવામાં આવ્યો હતો.
પેલેસ્ટાઈનના પત્રકાર મહોમ્મ્દ સ્મિરીએ સોશિયલ વીડિયા પર આ અંગેની એક પોસ્ટ મુકી હતી અને સાથે એક વિડિયો શેર કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, હવે ગાઝામાં કોઈ યુનિવર્સિટી બચી નથી.
તેમણે શેર કરેલા વિડિયોમાં એક ભારે વિસ્ફોટ સાથે ધૂમાડાના ગોટે ગોટા ઉઠતા દેખાય છે. મહોમ્મદ સ્મિરીએ દાવો કર્યો હતો કે, આ ગાઝાની અલ અઝહર યુનિવર્સિટી છે.
દરમિયાન યુએનના મહાસચિવ એન્તોનિયો ગુતેસરે ગાઝામાં ઘેરા બની રહેલા માનવીય સંકટને ધ્યાનમાં રાખીને તાત્કાલિક યુધ્ધ વિરામ જાહેર કરવા માટે અને રાહત પહોંચાડવા માટે અપીલ કરી છે. તેમનુ કહેવુ છે કે, ગાઝામાં કોઈ સ્થળ સુરક્ષિત નથી.