શું ઈરાનમાં 103 લોકોના મૃત્યુનો જવાબદાર પણ ઈઝરાયલ? મોસાદ ચીફના નિવેદનથી મળ્યાં સંકેત
મોસાદના પ્રમુખે કહ્યું કે અમને જ્યાં તક મળશે, અમે બદલો લઈશું
ગઇકાલે ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર નજીક બે બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 103 લોકો માર્યા ગયા
Iran Blast News | ગાઝા પટ્ટીમાં હમાસ અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની આગ હવે બીજા દેશોને પણ લપેટમાં લઈ રહી છે. ઈઝરાયલે પહેલા લેબેનોનમાં ઘૂસીને એક ડ્રોન હુમલો કરી હમાસના ડેપ્યુટી ચીફ સાલેહ અલ અરુરીને ઠાર માર્યો હતો. હવે ગઇકાલે ઈરાનમાં પૂર્વ જનરલ કાસિમ સુલેમાનીની કબર નજીક બે બોમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 103 લોકો માર્યા ગયા અને 200થી વધુ ઘવાયા હતા. એવું મનાય છે કે આ હુમલા પાછળ પણ ઈઝરાયલની જ ભૂમિકા છે.
કેવી રીતે મળ્યાં સંકેત?
ઈઝરાયલના ગુપ્તચર પ્રમુખનું કહેવું છે કે અમને જ્યાં પણ તક મળશે અમે બદલો લઈશું અને લઈ પણ રહ્યા છીએ. અત્યાર સુધી ઈઝરાયલે આ હુમલા વિશે જાહેરમાં તો કંઇ કહ્યું નથી અને ન તો જવાબદારી સ્વીકારી છે પણ મોસાદના પ્રમુખ ડેવિડ બર્નિયાનું નિવેદન એ વાતના જ સંકેત આપે છે.
મોસાદ પ્રમુખ શું બોલ્યાં?
ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદના પ્રમુખ ડેવિડ બર્નિયાએ કહ્યું કે મોસાદ એજન્સી એ હત્યારાઓનો સામનો કરવા તત્પર છે જેમણે 7 ઓક્ટોબરે હુમલો કર્યો હતો. આ હુમલાનો બદલો લેવામાં અમને સમય લાગશે જેવું મ્યુનિખ હત્યાકાંડ બાદ થયું હતું પણ એ લોકો પર અમે હાથ જરૂર નાખીશું. ભલે પછી તેઓ ગમે ત્યાં હોય. અમે બદલો લઈને રહીશું.