હવે ચીનમાં કંપનીઓ બનાવી રહી છે સેના, શી જિનપિંગે બનાવ્યો ખતરનાક પ્લાન
- અત્યાર સુધીમાં 16 મોટી કંપનીઓએ પોતાની જ સેના તૈયાર કરી લીધી છે
Image Source: Twitter
નવી દિલ્હી, તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવાર
ચીન પાસે વિશ્વની સૌથી મોટી સેના છે જેમાં લગભગ 20 લાખ જવાનો છે. તેમ છતાં હાલમાં ચીનમાં એક અદ્ભૂત ફેરફાર જોવા મળી રહ્યો છે. હવે ચીનની પ્રાઈવેટ કંપનીઓ પણ પોતાની સેના બનાવી રહી છે. આ કંપની પોતાના કર્મચારીઓને હથિયારોથી સજ્જ કરી રહી છે અને તેમને સૈન્ય ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે અત્યાર સુધીમાં 16 મોટી કંપનીઓએ પોતાની જ સેના તૈયાર કરી લીધી છે. આ કંપનીઓમાં સેનાના ગઠનનું કામ કરવા માટે અલગથી એક વિભાગનું જ ગઠન કરી લેવામાં આવ્યું છે. આ ડિપાર્ટમેન્ટનું નામ પીપલ્સ આર્મ્ડ ફોર્સ ડિપાર્ટમેન્ટ રાખવામાં આવ્યું છે.
આ પ્રાઈવેટ સૈન્ય ટુકડીઓને ચીની સેનાના રિઝર્વ ફોર્સ તરીકે રાખવામાં આવશે
પ્રાપ્ત માહિતી પ્રમાણે, આ પ્રાઈવેટ સૈન્ય ટુકડીઓને ચીની સેનાના રિઝર્વ ફોર્સ તરીકે રાખવામાં આવશે. તેનો ઉપયોગ કોઈ આપદા આવવા પર અથવા સામાજિક ઉપદ્રવ ભડકવાની સ્થિતિમાં વ્યવસ્થાનું સંચાલન કરવા માટે થઈ શકશે. એક્સપર્ટનું કહેવું છે કે આ કોર્પોરેટ બ્રિગેડ્સને એટલા માટે તૈયાર કરવાનું કારણ એ છે કે, અન્ય દેશ સાથે યુદ્ધ થાય અથવા સ્થાનિક સ્તરે સામાજિક ઉપદ્રવ ભડકે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. કોરોનાના મહામારી દરમિયાન ચીન સરકાર દ્વારા જ્યારે કડક નિયંત્રણો લાદવામાં આવ્યા હતા ત્યારે લોકો ભડકી ઉઠ્યા હતા. તે સમય દરમિયાન સ્થિતિ સંભાળવી મુશ્કેલ બની ગઈ હતી.
1970ના દાયકામાં પણ ચીનમાં આવું કલ્ચર હતું
આવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે હવે કોર્પોરેટ આર્મી પણ મદદ કરશે. આ ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે થોડા દિવસો પહેલા જ સલાહ આપી હતી કે ચીની સમાજમાં કમ્યુનિસ્ટ વિચારધારાનો પ્રસાર થવો જોઈએ. આ ઉપરાંત કોર્પોરેટ સેક્ટરને પણ તેમાં સામેલ કરવું જોઈએ. એવું માનવામાં આવી રહ્યું છે કે આ અંતર્ગત જ કંપનીઓને પણ સેના બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ સેના લોકોને અનુશાસનનો પાઠ ભણાવશે અને તેમને ચીનની કમ્યુનિસ્ટ વિચારધારા સાથે જોડશે. 1970ના દાયકામાં પણ ચીનમાં આવું કલ્ચર હતું, જ્યારે કંપનીઓ પણ પોતાની જ સેનાઓ તૈયાર રાખતી હતી.
શી જિનપિંગ શા માટે બનાવડાવી રહ્યા છે કોર્પોરેટ આર્મી
ચીનની રાજનીતિની સમજ ધરાવતા વિશ્લેષક નીલ થોમસે કહ્યું કે, કોર્પોરેટ સેનાઓની વાપસીથી શી જિનપિંગનું એ વિઝન સામે આવે છે જેના હેઠળ તેઓ દેશની સુરક્ષા અને આર્થિક વિકાસને એકસાથે ચલાવવાની વાત કરે છે. ધીમી આર્થિક વૃદ્ધિ અને ભૌગોલિક રાજકીય પડકારો હોવા છતાં ફણ શી જિનપિંગનો તેના પર ભાર છે. તેમણે કહ્યું કે દેશના સૈન્ય નેતૃત્વ સાથે મળીને કોર્પોરેટ મિલિટરી ચીનમાં આંતરિક ખલેલને સંભાળશે. આ ચીનની પોલિસી છે કે, જનતા પર કમ્યુનિસ્ટ પાર્ટીની પકડને મજબૂત કરી શકાય.