આટલી તબાહી બાદ હવે ચીને સ્વીકાર્યુ કે 80 ટકા વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત
એ પણ સ્વાકાર્યુ કે ચીનના લોકોએ વધુ મુસાફરી કરવાને કારણે કોરોના વધુ ફેલાયો છે
ચીને એવી રીતે આંકડાઓ છુપાવ્યા છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા માટે પણ વાસ્તવિક સ્થિતિને સમજવી એક પડકાર
Image Twitter |
તા. 22 જાન્યુઆરી 2023, રવિવાર
કોરોના વાયરસની ચોથી લહેરનો સામનો કરી રહેલા ચીનમાં આવનારા દિવસો વધુ ખરાબ હોઈ શકે છે. બ્લૂમબર્ગના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આરોગ્ય વિશ્લેષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી લંડનની સંશોધન કંપની એરફિનિટી લિમિટેડએ જણાવ્યું છે કે 1.4 અબજના દેશમાં 23 જાન્યુઆરીના અંત સુધીમાં વાયરસનાં મૃત્યુઆંક ચરમશીમા પર આવી શકે છે. છતા પણ ચીન તેની હરકતોથી બાદ રહ્યુ નહોતું. પરંતુ આ વચ્ચે તેણે હવે મોડા મોડા પણ સ્વીકાર્યુ કે હાલમાં ત્યા 80 ટકા વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત છે.
ચીનના ઉચ્ચહોદ્દો ધરાવતા એક વૈજ્ઞાનિકે કહ્યું કે તેમના દેશમાં 80 ટકા વસ્તી કોરોનાથી સંક્રમિત છે. જો કે આ નિવેદન બાદ તેમણે ચીનના સંક્રમણને કારણે સંભવિત જોખમોને નકારી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તેમણે એ પણ સ્વીકાર્યુ કે ચીનના લોકોએ વધુ મુસાફરી કરવાને કારણે કોરોના વધુ ફેલાયો છે.
12 જાન્યુઆરી સુધીમાં આશરે 60000 નાગરિકોના કોરોનાથી મૃત્યુને ભેટ્યા
તાજેતરમાં જ ચીને શુન્ય કોવિડ નીતિ પુર્ણ કરીને ઘણા મોટા નિર્ણયો લીધો છે. તેની સાથે તેણે સ્વીકાર્યુ કે છેલ્લા એક મહિનાથી 12 જાન્યુઆરી સુધીમાં આશરે 60000 નાગરિકોના કોરોનાથી મૃત્યુને ભેટ્યા હતા. જો કે નિષ્ણાતોનું માનવુ છે કે ચીનના આ આંકડા ખોટા છે. હાલમાં એવા સમાચાર છે કે ચીનમાં કોરોનાથી રેકોર્ડબ્રેક લોકો મૃત્યુ પામ્યા છે. એક માહિતી મુજબ ચીને એટલી હદે આંકડાઓ છુપાવ્યા છે કે વિશ્વ આરોગ્ય સંસ્થા માટે પણ વાસ્તવિક સ્થિતિને સમજવી એક પડકાર બની ગઈ હતી.