યુએઈમાં જ નહીં દુનિયાના સંખ્યાબંધ મુસ્લિમ દેશોમાં હિન્દુ મંદિરો છે, આ રહી તેની જાણકારી
Image Source: Twitter
સ્વામિનારાયણ સંપ્રદાય બીએપીએસના યુએઈના પહેલા મંદિરનુ ઉદ્ઘાટન આજે(14 ફેબ્રુઆરી) વડાપ્રધાન મોદીના હસ્તે થઈ રહ્યું છે.
યુએઈમાં રહેતા હિન્દુઓ માટે આ એક ઐતહાસિક અવસર છે. જોકે દુનિયાના અન્ય કેટલાક મુસ્લિમ દેશો પણ એવા છે જ્યાં હિન્દુ મંદિરો છે. કયા કયા દેશોમાં હિન્દ મંદિરો આવેલા છે તેની રસપ્રદ જાણકારી નીચે પ્રમાણે છે.
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ભલે હિન્દુઓની વસતી હવે એક ટકા કરતા પણ ઓછી હોય પરંતુ ડઝનબંધ મંદિરો હજી અસ્તિત્વમાં છે. જેમં સૌથી જૂનુ કટાસરાજ મંદિર પંજાબ પ્રાંતમાં છે. જેનુ નિર્માણ સાતમી સદીમાં થયુ હતુ. આ મંદિર પરિસરમાં રામ મંદિર, હનુમાનજી મંદિર અને શિવ મંદિર પણ છે.
મલેશિયા મુસ્લિમ બહુમતીવાળો દેશ પણ મલેશિયાના ગોમ્બાચ પ્રાંતમાં બાતુ ગુફાઓમાં ઘણા મંદિરો આવેલા છે. અહીંયા એક ગુફાના પ્રવેશદ્વાર પર હિન્દુ દેવતા મુરુગનની એક વિશાળ મૂર્તિ જોઈ શકાય છે.
દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયા પર હજી પણ હિન્દુ સંસ્કૃતિની ઘેરી અસર દેખાય છે. અહીંયા પણ ઘણા મંદિરો આવેલા છે. આ પૈકી નવમી સદીમાં બનેલા પ્રમ્બાનન મંદિરની મુલાકાત અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ લઈ ચુકયા છે.
બાંગ્લાદેશમાં 1.6 કરોડ કરતા વધારે હિન્દુઓ રહે છે અને તે દેશની વસતીના 10 ટકા છે. રાજધાની ઢાકામાં આવેલા ઢાકેશ્વરી મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાવિકો દર્શન કરવા માટે જતા હોય છે. આ દેશમાં પણ નોંધપાત્ર મંદિરો આવેલા છે.
ઓમાનની રાજધાની મસ્કતમાં પણ એક શિવ મંદિર અને એક શ્રીકૃષ્ણ મંદિર છે. ઓમાનની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ શિવ મંદિરમાં દર્શન કર્યા હતા.
યુએઈની વાત કરવામાં આવે તો દુબઈમાં અલ ફહીદી સ્ટેશનથી થોડે દૂર એક શિવ મંદિર છે તેમજ એક શિરડી તીર્થ પણ આવેલુ છે. દુબઈના જેબેલ અલી વિસ્તારમાં પણ એક મંદિર છે. જેની સ્થાપના ગત વર્ષે કરાઈ હતી.
ખાડી દેશ બહેરીનમાં પણ એક શિવ મંદિર અને એક અયપ્પા મંદિરનુ નિર્માણ થયેલુ છે.