દેશ છોડતાં પહેલા મારા માતુશ્રીએ સત્તાવાર ત્યાગપત્ર આપ્યું જ ન હતું : શેખ હસીનાના પુત્રે કરેલી સ્પષ્ટતા

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
દેશ છોડતાં પહેલા મારા માતુશ્રીએ સત્તાવાર ત્યાગપત્ર આપ્યું જ ન હતું : શેખ હસીનાના પુત્રે કરેલી સ્પષ્ટતા 1 - image


- તેઓ અત્યારે તો ભારતમાં છે : તેઓને આશ્રય આપવા માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું : સાજીબ વાઝેદ જોય

ઢાકા : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સાજીબ વાઝેદ જોયે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે, વાસ્તવમાં મારા માતુશ્રીએ તેઓના પદ પરથી સત્તાવાર રીતે ત્યાગપત્ર આપ્યું જ ન હતું. પાંચમી ઑગસ્ટને સોમવારે રમખાણકારો તેઓના સત્તાવાર નિવાસ સ્થાન તરફ આગળ ધસી રહ્યા હતા, ત્યારે તેઓ દેશ છોડવાની એટલી ઉતાવળમાં હતા કે સત્તાવાર રીતે ત્યાગપત્ર આપવા જેટલો સમય જ ન હતો. તેઓ સોમવારથી ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. તેઓને આશ્રય આપવા માટે હું ભારતનો અને વિશેષત: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું.

બાંગ્લાદેશમાં સરકાર વિરોધી રમખાણોને લીધે આશરે ૪૦૦થી વધુ લોકોના જીવ ગયા છે. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા. આ રમખાણોને લીધે શેખ હસીનાના ૧૫ વર્ષના શાસનકાળનો અંત આવ્યો, તે પછી હસીનાના ઉગ્ર ટીકાકાર અને નોબેલ પ્રાઇઝ વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વ નીચે વચગાળાની સરકાર રચાઈ છે, તેને બાંગ્લાદેશના સૈન્યનું સમર્થન પણ છે.

અત્યારે તો બાંગ્લાદેશના પ્રમુખ મોહમ્મદ શહાબુદ્દીને સંસદ વિખેરી નાખી છે, અને સંવિધાન પ્રમાણે હવે ૩ મહિનામાં ત્યાં સામાન્ય ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં તેઓની પાર્ટી આવામી લીગ પણ ચૂંટણી લડવાની છે તેમ જોયે કહ્યું ત્યારે પત્રકારોએ તેઓને પૂછ્યું હતું કે, જો તમારી પાર્ટી વિજયી થશે અને તમોને વડાપ્રધાન પદ માટે પસંદ કરે તો તમો વડાપ્રધાન પદ સ્વીકારશો કે કેમ ? તો તેના ઉત્તરમાં તેઓએ કહ્યું, 'મારા માતુશ્રીએ કશું ખોટું કર્યું નથી. તેઓની સરકારે કેટલાકે ગેરકાયદે કૃત્યો કર્યા હતા પરંતુ તે માટે તેઓને સીધી રીતે જવાબદાર ન કહી શકાય.' આ સાથે તેઓએ કેટલાક પોલીસ અને પોલીસ અધિકારીઓએ કરેલાં વધુ પડતા બળ પ્રયોગની પણ ટીકા કરી હતી.

ફરી 'વડાપ્રધાન પદ અંગે' પત્રકારોએ પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ કહ્યું, 'આ ટર્મ પૂરી થતાં મારા માતુશ્રીએ તો ૧૫ વર્ષના શાસનકાળ પછી નિવૃત્ત થવાની ઇચ્છા દર્શાવી હતી.' હવે જો આગામી ચૂંટણીમાં અમારી પાર્ટી આવામી લીગ વિજયી થશે અને તેઓ મને વડાપ્રધાનપદ સ્વીકારવા આગ્રહ કરશે તો હું જરૂર તે અંગે વિચારીશ. આ સાથે તેઓએ તેમ પણ કહ્યું કે તેઓ વિરોધી પાર્ટી 'બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી' અને તેના પ્રમુખ ખાલીદા ઝીયા સાથે સહકાર રાખશે. 


Google NewsGoogle News