પાકિસ્તાન બહુ પાછળ રહી ગયુ છે, ગાડી ફરી પાટા પર ચઢાવવી પડશેઃ નવાઝ શરીફની કબૂલાત
image : Twitter
ઈસ્લામાબાદ,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
પાકિસ્તાનની હાલત એક સાંધે ત્યાં તેર તુટે તેવી છે. પાકિસ્તાનની આર્થિક હાલત તો સારી નથી જ અને બીજી તરફ આતંકવાદી સંગઠનો પણ તેના નાકમાં દમ કરી રહ્યા છે.
પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે પણ સ્વીકાર્યુ છે કે, પાકિસ્તાનની સ્થિતિ બહુ ખરાબ છે.
પાકિસ્તાનમાં આગામી ચૂંટણી માટે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે નવાઝ શરીફ પણ ખૈબર પખ્તૂન્ખા પ્રાંતમાંથી ચૂંટણી લડી રહ્યા છે. સોમવારે એક રેલીને સંબોધન કરતા તેમણે કહ્યુ હતુ કે, પાકિસ્તાન બહુ પાછળ રહી ગયુ છે અને દેશને નવેસરથી બેઠો કરવો પડશે. હું જ્યારે વડાપ્રધાન હતો ત્યારે એક ડોલરની કિમત 104 રુપિયા હતી. રુપિયાને મારી સરકારે વધારે તૂટવા દીધો નહોતો. દેશમાં વીજ કાપની સમસ્યા પણ મારી સરકારે દૂર કરી દીધી હતી.
તેમણે તહેરિક એ ઈન્સાફ અને પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનનુ નામ લીધા વગર કહ્યુ હતુ કે, અફસોસની વાત છે કે, લોકોએ એક જૂઠ્ઠા વ્યક્તિને વોટ આપ્યા હતા.
નવાઝ શરીફે આગળ કહ્ય હતુ કે, 2013માં જમીયત ઉલેમા એ ઈસ્લામના પ્રમુખ મૌલાના ફજલુર રહેમાને ખૈખબર પખ્તુન્ખામાં સરકાર બનાવવા માટે મારો સંપર્ક કર્યો હતો પણ અમે સરકાર બનાવવાની ના પાડી દીધી હતી. 2013 થી 2023 સુધી આ રાજ્યમાં શાસન કરનારી પાર્ટીના લોકોએ રાજ્યને બરબાદ કરી નાંખ્યુ છે. હું અહીંના લોકોને પૂછુ છુ કે પાકિસ્તાન તહેરિકે ઈન્સાફના શાસન દરમિયાન તમને શું મળ્યુ?
તેમણે લોકોને વાયદો કર્યો હતો કે, જો મારી સરકાર સત્તા પર આવશે તો લકોને નોકરીઓ મળે અને આ રાજ્યમાં એક એરપોર્ટ બને. સાથે સાથે અહીયાયુનિવર્સિટી અને કોલેજ પણ બનાવવામાં આવશે.