યુધ્ધ માટે તૈયાર રહો, ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે જાતે ટેન્ક ચલાવી સૈનિકોને આપ્યો સંદેશ
image : Socialmedia
પ્યોંગયાંગ,તા.15 માર્ચ 2024,શુક્રવાર
ઉત્તર કોરિયાના ભેજાગેપ અને સનકી તાનાશાહ કિમ જોંગે ક્યારે શું કરશે તેની કોઈને ખબર હોતી નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી નવી તસવીરો પ્રમાણે તો કિમ જોંગે હવે ટેન્ક ચલાવી છે. ઉત્તર કોરિયાની સેનાના યુધ્ધાભ્યાસમાં પહોંચેલા કિમ જોંગ ટેન્ક જોઈને તેના ડ્રાઈવર બનવાની લાલચ રોકી શક્યા નહોતા. આ એક અત્યાધુનિક ટેન્ક છે અને તેને તાજેતરમાં જ સેનામાં સામેલ કરવામાં આવી છે. ટેન્ક ચલાવીને તાનાશાહે પોતાના સૈનિકોને યુધ્ધ માટે તૈયાર રહેવા સંદેશો આપ્યો હતો.
દક્ષિણ કોરિયાએ અમેરિકાની સેના સાથે મળીને કરેલા સંયુક્ત યુધ્ધાભ્યાસ બાદ ઉત્તર કોરિયાએ પણ તેના જવાબમાં આ પ્રકારની કવાયત હાથ ધરી હતી અને કિમ જોંગ પોતે તેમાં હાજર રહ્યા હતા. બ્રિટનના એશિયન ઈન્સ્ટિટયુટ ઓફ પોલિસી સ્ટડીઝના નિષ્ણાત યાંગે બ્રિટિશ અખબાર સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, ઉત્તર કોરિયાનો યુધ્ધાભ્યાસ ભલે પૂરો થઈ ગયો હોય પણ કિમ જોંગ માનસિક રીતે તેમાંથી હજી બહાર આવ્યા નથી અને યુધ્ધની વાતો કરી રહ્યા છે.
દુનિયામાં જ્યાં ગમે ત્યાં યુધ્ધ ફાટી નીકળવાનુ જોખમ રહેતુ હોય છે તેવા સ્થળોમાં દક્ષિણ કોરિયા અને નોર્થ કોરિયાનો પણ સમાવેશ થાય છે. બીજા વિશ્વયુધ્ધ પછી ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા એમ બે દેશ બની ગયા હતા. એ પછી તેમની વચ્ચેનો તણાવ ક્યારેય ઓછો થયો નથી.
અમેરિકાએ દક્ષિણ કોરિયામાં દાયકાઓથી પોતાની સેના તૈનાત કરી રાખી છે તો નોર્થ કોરિયાને પડદા પાછળથી ચીન અને રશિયાની મદદ મળતી રહી છે.