કોઈ બંધક નહીં, માત્ર મોત...; યુક્રેની સૈનિકો માટે કિમ જોંગના સિપાહી બન્યા કાળ, 2 કલાકમાં એક ગામ પર કર્યો કબજો
Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષ કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે આ સંઘર્ષમાં રશિયાના સમર્થનમાં આવેલા ઉત્તર કોરિયાના સૈનિકો તેમની ભયાનક યુદ્ધ કુશળતા બતાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ઉત્તર કોરિયાના સૈનિકોએ યુદ્ધથી ભંયકર રીતે પ્રભાવિત કુર્સ્ક ક્ષેત્રના એક ગામ પર માત્ર 2 કલાકમાં કબજો કર્યો હતો. આ હુમલામાં સમગ્ર ક્ષેત્રમાં હાજર તમામ યુક્રેની સૈનિકો કાં તો માર્યા ગયા કાં તો પોતાનો જીવ બચાવી નાસી ગયા. ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેનના એક પણ સૈનિકને કેદી બનાવ્યો નહોતો.
300 યુક્રેની સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા
મીડિયા અહેવાલ મુજબ, રશિયન સૈન્યના સૂત્રોએ દાવો કર્યો હતો કે ઉત્તર કોરિયાના સૈનિકોએ કુર્સ્કના પ્લિખોવો ગામ પર જોરદાર હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમણે માત્ર 2 કલાકની અંદર 300 યુક્રેની સૈનિકોને મારીને વિસ્તાર પર કબજો કરી લીધો. નોંધનીય છે કે આ ઘટના 6 ડિસેમ્બરે બની હતી. ઉત્તર કોરિયાના સૈનિકોએ યુક્રેનના સૈનિકો પ્રત્યે કોઈ દયા દાખવી નહોતી. તેઓએ અચનાક હુમલો કરીને યુક્રેની સેનાના 300થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જોકે, આ સમગ્ર હુમલા અંગે યુક્રેન દ્વારા હજુ સુધી કોઈ નિવેદન જાહેર કરાયું નથી.
આ પણ વાંચોઃ અમેરિકામાં અનેક રહસ્યમયી ડ્રોન દેખાતા ખળભળાટ, ટ્રમ્પ બાઈડેન પર વિફર્યા
રશિયા-ઉત્તર કોરિયાના સંબંધો મજબૂત બન્યા
રશિયામાં ઉત્તર કોરિયાના સૈનિકો તહેનાત થયા ત્યાર બાદથી બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યા છે. તાજેતરમાં, દક્ષિણ કોરિયાએ ઘટસ્ફોટ કર્યો હતો કે, ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉને યુક્રેન વિરૂદ્ધ લડવા માટે હજારો સૈનિકોને રશિયા મોકલ્યા છે. આ ઉપરાંત રશિયામાં ઉત્તર કોરિયાના સૈનિકોની હાજરીની અમેરિકા દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે.
બંને દેશો વચ્ચે મહત્ત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર
આ વર્ષે જૂનમાં વ્લાદીમીર પુતિન અને કિમ જોંગ ઉન વચ્ચે ઐતિહાસિક સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા. આ મામલે નિષ્ણાતોએ જણાવ્યું કે, આ ડીલથી બંને દેશોને મોટો ફાયદો થઈ રહ્યો છે. ઉત્તર કોરિયા દ્વારા રશિયાને સૈનિકોની મદદ મળી રહી છે, જ્યારે રશિયા તરફથી ઉત્તર કોરિયાને અદ્યતન હથિયારોની ટેક્નોલોજીની પ્રદાન કરવામાં આવી રહી છે. આ સિવાય ઉત્તર કોરિયાના સૈનિકોને પણ આ યુદ્ધના અનુભવથી મોટો લાભ થશે.
આ પણ વાંચોઃ અરાજકતા અને અંધાધૂંધીના માર્ગે સીરીયા ? મોટા ભાગના વિપ્લવીઓ અલકાયદા ISIS સાથે સંલગ્ન છે