કિમ જોંગ ઉનની પુત્રી ફરીથી જાહેરમાં દેખાતા ઉત્તરાધિકારીની ચર્ચાએ જોર પકડ્યુ
સિઓલ, તા. 28 નવેમ્બર 2022 સોમવાર
નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ-ઉનની પુત્રી એકવાર ફરી ચર્ચાઓમાં છે. જોકે આવુ બીજીવાર થયુ છે જ્યારે ઉત્તરી કોરિયાઈ શાસક પોતાની પુત્રીના સાથે જોવા મળ્યા છે. 18 નવેમ્બરે મિસાઈલ પરીક્ષણ દરમિયાન કિમ જોંગ ઉનની સાથે તેમની પુત્રી પણ હાજર હતી. પોતાના અંગત જીવનને જાહેર જીવનથી દૂર રાખનારા કિમ જોંગ ઉનનું સતત બીજીવાર પુત્રી સાથે જોવા મળવાથી અમુક પ્રકારની અટકળો પણ શરૂ થઈ ગઈ છે.
એક પોસ્ટ અનુસાર ચર્ચા એ છે કે કિમ જોંગ ઉનની પુત્રી આગામી ઉત્તરાધિકારી બનશે, જે માટે તૈયારી અત્યારથી શરૂ કરી દેવાઈ છે. જોકે આ માત્ર ચર્ચાઓ છે, જેની કોઈ સત્તાકીય પુષ્ટિ કરવામાં આવી નથી.
કિમ જોંગ ઉનની સાથે તેમની પુત્રીને તો તમામે જોઈ લીધી છે પરંતુ હજુ તેના વિશેની વધુ જાણકારી કોઈની પાસે નથી. કોરિયા સેન્ટ્રલ એજન્સી કે કોઈ પણ પ્રકારના સત્તાકીય સૂત્રોએ કિમ જોંગની પુત્રીના નામનો ખુલાસો કર્યો નથી.
જાણકારોનું માનવુ છે કે કિમ જોંગ ઉનની પુત્રીનું નામ કિમ જૂ-એ છે. આ વિશે સૌથી પહેલો ખુલાસો રિટાયર્ડ એનબીએ ખેલાડી ડેનિસ રોડમેને કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે નોર્થ કોરિયાના પ્રવાસ દરમિયાન તેઓ ત્યાંના શાસકની નાની પુત્રીને મળ્યા હતા.
દક્ષિણ કોરિયાની ગુપ્ત એજન્સી નેશનલ ઈન્ટેલિજન્સ સર્વિસે કહ્યુ કે ફોટામાં જોવા મળતી બાળકી કિમ જોંગ ઉનની બીજી પુત્રી છે, જેની ઉંમર લગભગ 10 વર્ષ છે. એજન્સીએ એ પણ જણાવ્યુ કે કિમ જોંગ ઉનના 3 બાળકો છે. જેમાં બે પુત્રી અને એક પુત્ર છે.