ઉ.કોરિયાના વિદેશ મંત્રી રશિયામાં : તેના સૈનિકો યુક્રેનમાં લડવા તાલિમ લઈ રહ્યા છે
- પેન્ટાગૉન પ્રવક્તા સાબ્રિતા સિંઘ કહે છે
- રશિયા, તેના બદલામાં, ઉ.કોરિયાને તેનાં ન્યુક્લિયર વેપન્સ અને મિસાઇલ ટેકનોલોજીમાં સહાય કરશે
નવી દિલ્હી : ઉત્તર કોરિયાએ તેના વિદેશમંત્રીએ સોન હુઇને સોમવારે રશિયા મોકલ્યા છે. બીજી તરફ ઉત્તર કોરિયાના રશિયા પહોંચેલા ૧૦,૦૦૦ સૈનિકો યુક્રેન સામે લડવા માટે રશિયન લશ્કરી અધિકારીઓ પાસે તાલિમ લઇ રહ્યા છે.
આ માહિતી આપતાં પેન્ટાગોનનાં પ્રવક્તા સાબ્રિના સિંઘે વિશેષ યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઉ.કોરિયાના વિદેશમંત્રીઓએ સોન હુઈની સાથે એક પ્રતિનિધિમંડળ પણ રશિયા પહોંચ્યું છે. જો કે, વિદેશ મંત્રી કે પ્રતિનિધિમંડળના કોઈપણ સભ્યો આ મુલાકાત પાછળનો હેતુ જણાવ્યો નથી. પરંતુ આથી સ્પષ્ટ બને છે કે બંને દેશો સાથેના સંબંધો વધુ ગાઢ બન્યા છે.
સાબ્રિતા સિંઘે વધુમાં જણાવ્યું હતું કે આ પછી દક્ષિણ કોરિયાની સંસદની વિદેશી બાબતો તેમજ સંરક્ષણ બાબતો અંગેની સમિતિઓની બંધ બારણે બેઠક યોજાઈ હતી. તેમાં રશિયા ઉત્તર કોરિયાને તેની સહાયતા બદલામાં શું આપવાનું છે તે વિષે સઘન વિમર્શ થયો હતો તેમ તે બેઠકમાંથી બહાર આવેલા એક સાંસદ લી સેઓન્ગ ક્વેઇને જણાવ્યું હતું પરંતુ તેથી વધુ કશી વિગતો આપવાનો ઇન્કાર કર્યો હતો.
અમેરિકાની ગુપ્તચર સંસ્થાને જાણવા મળ્યું છે કે દક્ષિણ કોરિયાની ગુપ્તચર સંસ્થા પાસે નિશ્ચિત માહિતી છે કે ઓએ રશિયામાં વધુ સૈનિકો મોકલવા માટે ચર્ચા કરશે. બીજી તરફ રશિયા તેના બદલામાં ઉત્તર કોરિયાને પરમાણુ શસ્ત્રો, તેમજ તેના મિસાઇલ કાર્યક્રમમાં સહાય કરવા વિજ્ઞાનીઓ અને ટેક્નિશ્યનો મોકલશે.
પેન્ટાગોનનાં પ્રવક્તા સાબ્રિના સિંઘે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાના ૧૦,૦૦૦ સૈનિકો તો, રશિયા પહોંચી જ ગયા છે. તેવો યુક્રેન-યુદ્ધ માટે રશિયન અધિકારીઓ પાસે તાલિમ લઇ રહ્યા છે. હજી પણ વધુ ઉ.કોરિયન સૈનિકો રશિયા પહોંચવાના છે.
કોરિયાઈ સૈનિકો રશિયન સૈનિકો સાથે, રશિયાના કુર્કસ પ્રદેશની સરહદે લડવા પહોંચી ગયા છે. આ વિસ્તારમાં અત્યારે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે.
એવી પણ માહિતી મળી છે કે ઉત્તર કોરિયાના ઉચ્ચ લશ્કરી અધિકારીઓએ રશિયાના ઉચ્ચ લશ્કરી અધિકારીઓની સાથે યુદ્ધગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
ઉત્તર કોરિયાનો જાસૂસી ઉપગ્રહ મેમાં વહેતો મુકાયો હતો પરંતુ તે પ્રયત્ન જ નિષ્ફળ ગયો. હવે રશિયન વિજ્ઞાનીઓ અને ટેક્નીશ્યનો, ઉત્તર કોરિયાને બીજો જાસૂસી ઉપગ્રહ રચવામાં અને તેને અંતરિક્ષમાં મોકલવામાં સહાય કરવાના છે.