દ.કોરિયાનાં ડ્રોન પ્યોગ્યાંગ સુધી પહોંચતાં ઉ.કોરિયાના સરહદી દળો 'હાઈ-એલર્ટ' પર
- રશિયા, ચાયના, ઉ.કોરિયા વચ્ચે લશ્કરી કરારો છે
- ઉ.કોરિયાનાં જનરલ સ્ટાફે સરહદે તોપખાનું ગોઠવી દીધું સાથે કહ્યું : હુકમ મળતાં જ દુશ્મન દળો પર તૂટી પડજો
પ્યોગ્યાંગ : ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર કીમ-જોંગ-ઉન શું કરશે તે કરતાં શું નહીં કરે તે સવાલ છે. તેણે રશિયા અને ચાયના સાથે લશ્કરી કરારો કરી લીધા છે. એટમ બોમ્બ બનાવી લીધા છે. એટમ બોમ્બ લઈ જઈ શકે તેવા છેક અમેરિકાનાં પૂર્વ કાંઠા સુધી પહોંચે તેવા ઈન્ટર-કોટીનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ્સ બનાવ્યાં છે. તે એટમ બોમ્બનો ખડકલો કરી રહ્યું છે, મિસાઈલ્સની સંખ્યા વધારી રહ્યું છે.
તેવામાં દક્ષિણ કોરિયાએ તેનો 'બ્લફ-કોલ-આઉટ' કરવા (ચકાસણી કરવા) પોતાનાં ડ્રોન વિમાનો છેક પ્યોગ્યાંગ સુધી મોકલ્યાં છે. આથી છંછેડાઈ ગયેલા ઉને મહાયુદ્ધની તૈયારીઓ કરી લીધી છે. દ.કોરિયાની સરહદે રહેલાં તેના દળોને હાઈ-એલર્ટ પર મુકી દીધા છે.
ઉ.કોરિયાની સત્તાવાર સમાચાર સંસ્થા કોરિયા ન્યૂઝ એજન્સી જણાવે છે કે, 'પ્રમુખ કીમ-જોગ-ઉને દ.કોરિયાનાં તે પગલાંને યુદ્ધોત્સકતા સમાન કહી પોતાનાં દળોને હાઈ-એલર્ટ પર મુકી દીધા છે.'
ઉ.કોરિયાનાં ચીફ-ઓફ-જનરલ-સ્ટાફે તેનાં આર્ટિલરી યુનિટસ (તોપખાના)ને સંપૂર્ણત: તૈયાર રહેવા જણાવી દીધું છે અને કહી દીધું છે કે, 'હુકમ મળતાં જ દુશ્મનો ઉપર તૂટી પડજો.'
તે સર્વવિદિત છે કે ઉત્તર કોરિયાને ચીન અને રશિયા સાથે લશ્કરી કરારો છે તે ઈરાનની મદદે પણ દોડયું છે. વાત સીધી છે 'ચીન-ઉ.કોરિયા-રશિયા અને ઈરાન'ની ધરી રચાઈ ગઈ છે.
બીજી તરફ દ.કોરિયાએ જાપાન અને અમેરિકા સાથે તેમજ અમેરિકા દ્વારા આડકતરી રીતે નાટો દેશો સાથે જોડાઈ ગયું છે. આથી પૂર્વ પેસિફિકમાં પરિસ્થિતિ ફલેશ પોઈન્ટ ઉપર પહોંચી ગઈ છે.
બીજી તરફ દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે કહ્યું છે કે, સરહદે ઉત્તર કોરિયા દ્વારા થઈ રહેલી લશ્કરી પ્રવૃત્તિઓ ઉપર સતત નજર રાખવામાં આવે છે અને ઉત્તર કોરિયાની તમામ ઉશ્કેરણીઓનો સામનો કરવા તેઓ તૈયાર છે. જોકે તેમણે ડ્રોન વિમાનો મોકલ્યાં હતાં કે નહીં તેનો જવાબ આપ્યો નહોતો.
ભલે દ.કોરિયાનાં 'જોઈન્ટ-ચીફ-ઓફ સ્ટાફે' આ પ્રમાણે કહ્યું હોય પરંતુ આટલી તીવ્ર પરિસ્થિતિ ઉભી થવાનું કારણ તે છે કે ઉત્તર કોરિયામાં છેલ્લાં કેટલાક સપ્તાહોથી દક્ષિણ કોરિયા ઉપર કચરો ભરેલાં બલુનો મોકલી રહ્યું છે. દક્ષિણ કોરિયા કહે છે કે તે બલુનો અમે સરળતાથી તોડી પાડી શકીએ તેમ છીએ, પરંતુ અમે તેમ એટલા માટે નથી કરતાં કે કદાચ તે કચરા સાથે જ્વલનશીલ પદાર્થો હોય તો બલૂન પડતાં આગ ફાટી પણ નીકળે.
તેથી તે બલુનોના વળતા જવાબ તરીકે દ.કોરિયાએ ડ્રોન વિમાનો પ્યોગ્યાંગ ઉપર મોકલ્યાં હશે.