ઉ.કોરિયા રશિયામાં વધારાનાં દળો મોકલશે સાથે 'આત્મઘાતી' ડ્રોન્સ પણ આપશે : દ.કોરિયા
- હજી સુધી ઉ.કોરિયાએ ઉશ્કેરણી ભર્યાં પગલાં ભર્યા નથી પરંતુ સરહદે લશ્કરી જમાવટ કરી દીધી છે દ.કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફ
સીઉલ : ઉત્તર કોરિયા, યુક્રેન યુદ્ધમાં રશિયાને સહાયભૂત થવા વધારાનાં દળો મોકલવાનું છે સાથે લશ્કરી સામગ્રીઓ અને શસ્ત્રો પણ મોકલવાનું છે તે માટેની તૈયારીઓ ત્યાં ચાલી રહી છે. તેમ દ.કોરિયાની સેનાએ જણાવ્યું હતું.
દ.કોરિયાની જાસૂસી સંસ્થાઓએ આ માહિતી આપતાં જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફને જણાવ્યું હતું કે, ઉ.કોરિયાએ હજ્જારો સૈનિકો રશિયાને યુક્રેન યુદ્ધમાં મદદ કરવા મોકલ્યાં છે. તેમાં તેના આશરે ૧૧૦૦ સૈનિકો માર્યા પણ ગયા છે.
આ માહિતી આપતાં દ.કોરિયાની યોન-હાપ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે ઉ.કોરિયા સૈનિકો ઉપરાંત ૨૪૦ મીમીનાં રોકેટ લોન્ચર્સ અને ૧૭૦ મીમીની સેલ્ફ પ્રોપેલ્ડ આર્ટિલરી પણ આપવાનું છે તેમ દ.કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે જણાવ્યું હતું.
આ જેપીએસે વધારે માહિતી આપતાં કહ્યું હતું કે કીમ જોંગ ઉન રશિયાને આત્મઘાતી ડ્રોન વિમાનો પણ આપવાના છે. સાથે તેઓ તેમનાં સૈન્યને પરંપરાગત યુદ્ધ તથા આધુનિક યુદ્ધ તેમ બંને પ્રકારનાં યુદ્ધો માટે સઘન તાલિમ અપાવી રહ્યાં છે.
ગયા મહિને ઉને વિવિધ પ્રકારનાં સુઈસાઇડ એટેક ડ્રોન્સ બનાવતી ફેક્ટરીની મુલાકાત લીધી હતી સાથે તેનું ઝડપભેર ઉત્પાદન કરવા પણ અનુરોધ કર્યો હતો.
તે સર્વવિદિત છે કે ઉ.કોરિયા પાસે ટૂંકા અંતરના અને મધ્યમ અંતરના એટમિક વોર હેડસ ધરાવતાં મિસાઈલ્સ તો છે જ તે ઉપરાંત તેણે ૧૨,૫૦૦ માઇલ દૂર (અમેરિકાનાં પૂર્વ કાંઠા) સુધી પહોંચી શકે તેવા એટમ બોમ્બ લઈ જઈ શકે તેવા ટોચકાં ધરાવતાં અંતર-ખંડીય-બેલાસ્ટિક મિસાઇલ્સ પણ બનાવ્યાં છે.