Get The App

ઉ.કોરિયાએ 10,000થી વધુ સૈનિકો રશિયાની સહાયે મોકલ્યા : કોરિયાનાં મીડિયાનો દાવો

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
ઉ.કોરિયાએ 10,000થી વધુ સૈનિકો રશિયાની સહાયે મોકલ્યા : કોરિયાનાં મીડિયાનો દાવો 1 - image


- 1,500 ઉ.કોરિયન સૈનિકો તો ક્યારનાયે રશિયા પહોંચી ગયા છે, સંભવત: 12,000 સૈનિકો પહોંચશે : દ.કોરિયાનાં પ્રમુખે આપેલી માહિતી

સીઉલ : યુક્રેન સામે લડવા માટે ઉત્તર કોરિયાએ આશરે ૧૦,૦૦૦થી વધુ સૈનિકો રશિયાની સહાયે મોકલ્યા છે. આ માહિતી આપતાં દ.કોરિયાનાં મીડીયાએ જણાવ્યું છે કે ૧,૫૦૦ જેટલા ઉ.કોરિયન સૈનિકો તો ક્યારનાએ રશિયા પહોંચી ગયા છે. આ સાથે આ સંખ્યા થોડા સમયમાં ૧૨,૦૦૦થી પણ વધુ થવાની શક્યતા છે.

આ પૂર્વે યુક્રેનના પ્રમુખ વ્લાદીમીર ઝેલેન્સ્કીએ પણ જણાવ્યું છે કે અમારાં જાસૂસી તંત્રને મળેલી માહિતી પ્રમાણે ઓછામાં ઓછા ૧૦,૦૦૦ ઉ.કોરિયન સૈનિકો રશિયાનાં સૈન્ય સાથે જોડાવા સંભવ છે.

દ.કોરિયાના પ્રમુખ યૂન સુક યેઓલે આંતરરાષ્ટ્રીય સમાજને ચેતવણી આપી છે કે આ પરિસ્થિતિ ગંભીર અસર પાડી શકે તેમ છે. જ્યારે દ.કોરિયાની નેશનલ ઇન્ટેલિજન્સ સર્વિસે પત્રકારોને કહ્યું હતું કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે યુક્રેનના કોનેત્સક વિસ્તારમાં ઉ.કોરિયાઇ સૈનિકો હોવાનું તેમના ચહેરા ઉપરથી જણાવ્યું હતું. ઉ.કોરિયાએ રશિયાને મિસાઇલ્સ પણ આપ્યાં છે. જેનો તે ઉપયોગ પણ યુક્રેન સામે કરી રહ્યું છે.

એક વિડીયો ઉત્તર કોરિયન સૈનિકો રશિયામાં આવતા દર્શાવે છે. તેઓને રશિયન સૈનિકો વિશેષ તાલિમ આપતા પણ તે વિડીયોમાં જોવા મળે છે.

આ દ્વારા ઉ.કોરિયા રશિયાને સીધી મદદ કરે છે તે સાબિત થઇ જાય છે. દ.કોરિયાને માહિતી મળી છે કે ઉ.કોરિયાએ ૮૦ લાખ જેટલા આર્ટિલરી અને રોકેટ રાઉન્ડ રશિયાને પહોંચાડી દીધા છે.

તે સર્વવિદિત છે કે રશિયા અને ઉ.કોરિયા ગાઢ સાથીઓ બની રહ્યા છે. ઉ.કોરિયાના સરમુખત્યાર કીમ જોંગ ઉને પુતિનને ક્લોઝેસ્ટ કોમરેડ કહ્યા છે. પ્રમુખ પુતિનના જન્મદિન નિમિત્તે ગત સપ્તાહે પાઠવેલા સંદેશામાં કીમ જોંગ ઉને તેઓને દીર્ઘાયુની શુભેચ્છા પાઠવવા સાથે તેઓને ક્લોઝેસ્ટ કોમરેડ (નિકટતમ બિરાદર) કહ્યા હતા.

દ.કોરિયાનો આ રીપોર્ટ વોશિંગ્ટન પણ પહોંચ્યો હતો. તે ઉપરથી સાંસદોએ પ્રમુખ જો બાયડેનને કલાસિફાઇ બ્રીફીંગ નીચે સંસદની વિદેશ નીતિ અને સંરક્ષણ નીતિ વિષેની સમિતિઓ સમક્ષ રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો.

દ.કોરિયાના પ્રમુખે આ સંદર્ભે જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાં અમેરિકા અને અમારા સાથી નાટો મિત્રોને આ સંઘર્ષ ન વિસ્તરે તે જોવા હું અનુરોધ કરૃં છું.


Google NewsGoogle News