ઉત્તર કોરિયાએ પ્રવાસીઓ માટે દેશના દરવાજા ખોલ્યા, પણ જીવના જોખમે ત્યાં જશે કોણ?
North Korea opened its doors to tourists: ઉત્તર કોરિયામાં કિમ જોંગ-ઉનનું એકહથ્થુ શાસન છે. કોવિડ 19ની શરૂઆત થયેલી ત્યારે ઉત્તર કોરિયામાં વિદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો હતો, જે હજુ હમણાં સુધી ચાલુ હતો. હવે, રહી રહીને ઉત્તર કોરિયાએ વિદેશી પ્રવાસીઓને એમને ત્યાં આવવાનો માર્ગ ખુલ્લો કર્યો છે. જોકે, પ્રવાસીઓએ ઉત્તર કોરિયાની મુલાકાત દરમિયાન અમુક શરતોનું ચુસ્તપણે પાલન કરવું પડશે. એમાં ચૂક થઈ તો સજા ભોગવવાની તૈયારી રાખવી પડશે. સજામાં જેલવાસ પણ મળી શકે અને મોત પણ..! તેથીસ્તો દુનિયાના અઠંગ પ્રવાસશોખીનો પણ ઉત્તર કોરિયા જવાનું ટાળે છે.
આ કારણસર ઉત્તર કોરિયા ઢીલું પડ્યું
ઉત્તર કોરિયાના અમૈત્રીપૂર્ણ વ્યવહારને કારણે વિશ્વના મોટાભાગના દેશોએ એની સાથેના સંબંધો તોડી નાંખ્યા છે. ઉત્તર કોરિયાની આક્રમક નીતિને કારણે તેના પર ઘણા વ્યાપારી અને રાજદ્વારી પ્રતિબંધો લગાવાયા છે. ‘સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ’ અને ‘યુરોપિયન યુનિયન’ દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને લીધે ઉત્તર કોરિયાની માઠી દશા બેઠી છે, જેને લીધે હવે એના વલણમાં નરમાશ જોવા મળી રહી છે. એની સાબિતી છે, વિદેશી પ્રવાસીઓને કરાયેલું ‘વેલ કમ’.
ખુવાર થઈ ગયું છે ઉત્તર કોરિયા
વૈશ્વિક પ્રતિબંધોના કારણે ઉત્તર કોરિયાની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. કોવિડ મહામારીએ પડ્યા પર પાટું માર્યા જેવો ખેલ કર્યો છે. ઉત્તર કોરિયામાં સગવડ જેવું કંઈ ખાસ રહ્યું નથી. સમગ્ર દેશમાં તબીબી સુવિધાઓ ખૂબ નબળી છે. રાજધાની પ્યોંગયાંગમાં પણ સારી હોસ્પિટલો નથી, તો નાના નગરો અને ગામડાંઓમાં તો કેવી હાલત હશે! અંદરની વાત દેશની સરહદના સીમાડા ઓળંગીને બહાર ન જાય એનું પાકું ધ્યાન ઉત્તર કોરિયા રાખે છે, છતાં વાત પાકે પાયે બહાર આવી જ ગઈ છે કે ત્યાં હાલમાં ભૂખમરાની સ્થિતિ છે. લોકોને જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓના પણ ફાંફા હોવાથી અપરાધનું પ્રમાણ વધી ગયું છે.
પ્રવાસન દ્વારા કમાવાની મંશા તો છે, પણ…
ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને પાંચ વર્ષ બાદ દેશમાં પ્રવાસન પુનઃસ્થાપિત કરવાની વાત કરી છે, જેને માટે વિદેશીઓને આમંત્રણ અપાઈ રહ્યા છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે ત્યાં ફરવા જનારે અમુક અઘરી શરતોનું પાલન કરવાનું ફરજીયાત છે.
આ નિયમો અનુસરવા પડશે, નહીંતર…
ઉત્તર કોરિયા ફરવા જનારા પ્રવાસીઓએ ઘણા પ્રતિબંધોનો સામનો કરવો પડશે. જેમ કે,
- પ્રવાસીઓ સ્થાનિક માર્ગદર્શક વિના ક્યાંય ફરી શકશે નહીં.
- તેઓ દેશમાં માત્ર નિર્ધારિત સ્થળોએ જ ફરી શકે છે.
- મોટાભાગના સ્થળોએ ફોટોગ્રાફી પ્રતિબંધિત રહેશે.
- સીસીટીવી કેમેરા અને સ્થાનિક લોકો પ્રવાસીઓ પર હંમેશાં નજર રાખશે.
- કોઈપણ પ્રકારની ધાર્મિક કે રાજકીય સામગ્રી લઈને જઈ શકાશે નહીં.
જે વ્યક્તિ ઉપરની શરતો સ્વીકારવા તૈયાર હોય તે જ ઉત્તર કોરિયામાં સલામત રહી શકશે.
પ્રચાર માધ્યમો તો ભુલી જ જવાના
તમે ઉત્તર કોરિયામાં હોવ ત્યારે બહારની દુનિયામાં શું બની રહ્યું છે, એ જાણવું મુશ્કેલ બની જાય છે, કેમ કે આપણા ટીવીમાં આવે છે એવી કોઈ વિદેશી ચેનલો ત્યાંના ટીવીમાં આવતી નથી. હા, ફાઈવસ્ટાર હોટલોમાં અમુક ઈન્ટરનેશનલ ન્યૂઝ ચેનલો ઉપલબ્ધ હોય છે ખરી, પરંતુ તેનું પ્રસારણ પણ પ્રશાસનના આદેશ પર ગમે ત્યારે બંધ કરી દેવાય છે.
માહિતીના અભાવે પ્રવાસીઓ ફસાઈ જાય છે
ઘણા પ્રવાસીઓ ઉત્તર કોરિયાના બધા નિયમોથી વાકેફ ન હોવાને કારણે ત્યાં ફસાઈ જાય છે. ઉત્તર કોરિયા જનાર પ્રવાસીને કોઈપણ પ્રકારની ધાર્મિક અથવા રાજકીય સામગ્રી લઈ જવાની મંજૂરી નથી હોતી, કેમ કે કોરિયાની સરકાર આવી સામગ્રીને પોતાની વિરુદ્ધનો પ્રચાર ગણે છે. કિમ જોંગ અથવા તેના પરિવારના કોઈપણ સભ્યની મજાક ઉડાવવી એ પણ ગંભીર અપરાધની શ્રેણીમાં આવે છે. ઉત્તર કોરિયામાં ફરતી વખતે દરેક સ્થળે ફોટા લઈ શકાતા નથી. આમ કરવું એ પણ જાસૂસી ગણાઈ જાય છે, અને એની સજા ખૂબ જ આકરી હોય છે.
પ્રવાસીને જાસૂસ સમજી લેવાય છે
ધારો કે ભારતની કોઈ વ્યક્તિ ઉત્તર કોરિયાના પ્રવાસે ગઈ છે અને બરાબર એ જ સમયે ભારત અને ઉત્તર કોરિયા વચ્ચે કોઈક કારણસર યુદ્ધ છેડાઈ જાય છે તો ઉત્તર કોરિયાની સરકાર અને પોલીસ ભારતના પ્રવાસીની તરત ધરપકડ કરી લેશે, એમ વિચારીને કે તે ભારતનો જાસૂસ છે. આવી સ્થિતિ હોય, એવા દેશમાં કોણ ફરવા જાય?
નિયમોનો ભંગ કર્યો તો મળશે આકરી સજા
ઉત્તર કોરિયામાં નિયમભંગની સજા આકરી હોય છે. અમુક વાર તો નિર્દોષો પણ અમસ્તા જ ત્યાંના અઘરા નિયમોનો ભોગ બની જાય છે. એક ઉદાહરણ જોઈએ અમેરિકન પ્રવાસીનું.
અમેરિકન પ્રવાસીને વગર વાંકે સજા મળી
વર્ષ 2015માં ઓટ્ટો વોર્મબિયર નામનો યુનિવર્સિટીનો અમેરિકન વિદ્યાર્થી ઉત્તર કોરિયા ફરવા માટે ગયો હતો. પરત ફરતી વખતે તેને પ્યોંગયાંગ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યો. તેના પર રાજકીય સૂત્રો લખેલું પોસ્ટર ચોરવાનો આરોપ લગાવાયો. ફક્ત ત્રણ જ મહિનાની અંદર ઉત્તર કોરિયાની સર્વોચ્ચ અદાલતે ઓટ્ટો વોર્મબિયરને 15 વર્ષની જેલની સજા સંભળાવી દીધી, એમ કહીને કે એ યુવકે અમેરિકન સરકારના કહેવાથી પેલું પોસ્ટર ચોર્યું હતું. આ કામ ઉત્તર કોરિયા વિરુદ્ધનું ષડયંત્ર હતું.
અમેરિકા લડ્યું, પણ ફાવ્યું નહીં
અમેરિકાએ ઉત્તર કોરિયાના આરોપ ખોટા ગણાવીને પેલા યુવકની મુક્તિની માંગ કરી, પણ ઉત્તર કોરિયાએ અમેરિકાને કોઈ જવાબ આપવાની તસ્દી પણ ન લીધી. વર્ષ 2017 માં અચાનક કોરિયન સરકારે જાહેરાત કરી કે વોર્મબિયરને માનવતાના આધારે મુક્ત કરવામાં આવી રહ્યો છે. વોર્મબિયરને અમેરિકા મોકલાયો તો ખરો, પણ કોમાની અવસ્થામાં! અમેરિકાએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તે લાંબા સમયથી કોમામાં જ હતો. ઉત્તર કોરિયાએ એની સ્થિતિ વિશેની હકીકત છુપાવી હતી. જ્યારે લાગ્યું કે તે હવે વધારે જીવવાનો નથી ત્યારે માનવતાનું કારણ આગળ ધરીને તેને અમેરિકા મોકલી દીધો હતો. વોર્મબિયરના શરીરની તપાસ કરનાર અમેરિકન ડૉક્ટરોએ દાવો કર્યો હતો કે, વોર્મબિયરને ખૂબ ખરાબ રીતે મારવામાં આવ્યો હતો, જેના કારણે તેના મગજને ગંભીર ઈજા થતાં એ કોમામાં સરી ગયો હતો. અમેરિકા પહોંચ્યાના થોડા દિવસોમાં જ વોર્મબિયરનું અવસાન થઈ ગયું હતું.
પ્રતિબંધોનો કોરડો વિંઝાયો
એ સમયે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ હતા. ઓટ્ટો વોર્મબિયરના મોતનો બદલો લેવો હોય એમ ટ્રમ્પે ઉત્તર કોરિયા પર જાતજાતના પ્રતિબંધો લાદી દીધા. અમેરિકનોને ઉત્તર કોરિયાના પ્રવાસે જવાની ના પડાઈ. એમ કહેવામાં આવ્યું કે ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાં તમે જશો તો ફસાઈ જવાનો ખતરો છે. આજે પણ એ એડવાઈઝરી જારી જ છે.
બીજા દેશો પણ ઉત્તર કોરિયાની વિરુદ્ધ છે
કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા દુનિયાના મોટાભાગના વિકસિત દેશોએ તેમની ટ્રાવેલ એડવાઈઝરીમાં ઉત્તર કોરિયાની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. ઉત્તર કોરિયામાં પ્રવાસીઓ પર પોલીસની બાજનજર રહે છે. ત્યાં ગમે ત્યારે મિસાઈલ પરિક્ષણ થતું રહે છે અને મનફાવે ત્યારે નવા-નવા નિયમો જનતાને માથે ઠોકી બેસાડાય છે.
વિઝા અને પાસપોર્ટના નિયમો પણ વિચિત્ર
ઉત્તર કોરિયા ફરવા જવાના જોખમો વિશે આટલું વાંચ્યા પછી પણ જો તમારે ત્યાં ફરવા જવું જ હોય તો વિઝા અને પાસપોર્ટને લગતા નિયમો પણ જાણી લો.
- તમે પોતે ઉત્તર કોરિયાના વિઝા માટે અરજી કરી શકતા નથી,એ માટે તમારે ટ્રાવેલ એજન્સીની મદદ લેવી પડશે. એજન્સી દ્વારા જ તમે ઉત્તર કોરિયા જવાનો પરવાનો મેળવી શકશો.
- જો તમને ઉત્તર કોરિયાના વિઝા મળશે, તો પણ તે પાસપોર્ટ પર છપાશે નહીં. તમને વિઝાનો એક અલગ કાગળ મળશે.
- તમારા વિઝા પર એ પણ લખેલું હશે કે તમારે કયે રસ્તે થઈને ઉત્તર કોરિયામાં પ્રવેશવાનું છે. પ્રવાસી મનફાવે એ શહેરમાં ઉતરીને ઉત્તર કોરિયા ફરી નથી શકતો.
- અગાઉ જણાવ્યું તેમ ઉત્તર કોરિયામાં તમે એકલા ફરી નહીં શકો. તમારે સ્થાનિક ગાઈડ ભાડે કરીને એની સાથે જ ફરવું પડે છે. એટલું જ નહીં, તમારો પાસપોર્ટ પણ તમારે તમારા ગાઈડને આપી દેવો પડશે. તમે ઉત્તર કોરિયા છોડશો ત્યારે જ તમને પાસપોર્ટ પરત કરવામાં આવશે.
આ દેશના નાગરિકો ઉત્તર કોરિયા ફરવા જાય છે
રશિયા અને ચીન દાયકાઓથી ઉત્તર કોરિયાના સાથી રહ્યા છે, તેથી સ્વાભાવિક છે કે એ બે દેશના જ સૌથી વધુ પ્રવાસીઓ ઉત્તર કોરિયાની મુલાકાત લે છે. ઉત્તર કોરિયાની સરકારી વેબસાઈટ પર જણાવવામાં આવ્યું હતું કે ગયા વર્ષે આઠસોથી વધુ રશિયન પ્રવાસીઓ ઉત્તર કોરિયા આવ્યા હતા. આઠસો પ્રવાસીઓ એટલે સાવ નગણ્ય ગણાય! તોય ઉત્તર કોરિયાના નિયમોને ધ્યાનમાં લેતાં તો બહુ કહેવાય.
વેલકમ તો કર્યું પણ જશે કોણ?
‘મિયાં પડ્યા તોય તંગડી ઊંચી’ જેવા નિયમો જોઈને લાખ રૂપિયાનો સવાલ એ થાય કે, ઉત્તર કોરિયાએ વિશ્વભરના પ્રવાસીઓ માટે પોતાના દેશના દરવાજા ખોલી તો નાંખ્યા છે, પણ જીવના જોખમે ત્યાં ફરવા જશે કોણ?