ઉ.કોરિયાએ ખતરનાક શસ્ત્ર 'આત્મઘાતી ડ્રોન' બનાવ્યાં : તેનું પ્રવેગી ગતિએ ઉત્પાદન શરૂ કર્યું
- યુ.એસ., દ.કોરિયા અને જાપાન, ઉ.કોરિયા પાસેના ખુલ્લા સમુદ્રમાં યુદ્ધ કવાયત કરી રહ્યા છે ત્યારે જ ઉને આ વિમાનોનો પ્રયોગ શરૂ કર્યો
પ્યોગ્યાંગ : ઉત્તર કોરિયાએ નિશ્ચિત સ્થળે પહોંચતાં સ્વંયબળે વિસ્ફોટ કરે તેવાં 'આત્મઘાતી' ડ્રોન વિમાનોનો આજે (શુક્રવારે) સફળ પ્રયોગ હાથ ધર્યો હતો.
આ માહિતી આપતાં ઉત્તર કોરિયાની સત્તાવાર પ્રસારણ સંસ્થા કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે અત્યારે અમારા જળ ક્ષેત્રથી થોડો જ દૂર રહી અમેરિકા, દ.કોરિયા અને જાપાન સમુદ્રીય યુદ્ધ કવાયતો કરી રહ્યા છે ત્યારે જ આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકા, દ.કોરિયા અને જાપાન અત્યારે પ્રશાંત મહાસાગર વિસ્તારમાં ફાયટર જેટ્સ તથા અમેરિકાનાં વિમાન વાહક જહાજ સાથે સમુદ્રીય યુદ્ધ કવાયત શરૂ કરી છે. આ સામે ઉત્તર કોરિયાએ તેની રક્ષણાત્મક શક્તિ આ રીતે દર્શાવે છે.
આવા બે પ્રકારનાં આત્મઘાતી વિમાનો છે જેમાં પરીક્ષણ સમયે પ્રમુખ કીમ-જોંગ-ઊન ઉપસ્થિત હતા અને સેનાના અધિકારીઓ સાથે આનંદસભર વાતચીત કરી હતી.
આ નવા રચાઈ રહેલાં ડ્રોન વિમાનોની પૂંછડી 'ટ' આકારની છે તેની પાંખો પણ વિશિષ્ટ પ્રકારની છે.
વિમાનોની ક્ષમતા દર્શાવતાં ટ્રમ્પની બાજુમાં જ રહેલા ઉ.કોરિયાના સેનાપતિએ ત્યાર પછી એક સિગ્નલ આપતું બટન દબાવ્યું તે સાથે તે ડ્રોન વિમાનમાં વિસ્ફોટ થયો.
ઉ.કોરિયા ઝડપભેર એટમ-બોમ્બ લઈ જઈ શકે, તેવા આઈસીબીએમનું સફળ પરિક્ષણ કર્યું હતું તે સર્વવિદિત છે. આ ઈન્ટરકોન્ટિનટલ બેલાસ્ટિક મિસાઇલ્સની રેન્જ ૧૨૫૦૦ માઇલથી થોડી વધુ છે. એટલે કે તે પૃથ્વીના પરિધના અર્ધોઅર્ધ ભાગ સુધી પહોંચી શકે તેમ છે. તેની રેન્જ (પ્રહાર મર્યાદા)માં ન્યૂયોર્ક, બાલ્ટીમોર, વોશિંગ્ટન, નોર્થ કેરોલિનામાં સમુદ્ર તટે રહેલું વિલિમન્ગ્ટન અને ફલોરિડાનું માયામી પણ આવરી લે છે. તેથી અમેરિકા સતત ચિંતાગ્રસ્ત છે. ઉત્તર કોરિયાના ધૂની સરમુખત્યાર કીમ-જોંગ-ઊન શું કરશે તે કરતાં શું નહીં કરે તેની ચિંતા છે.
દરમિયાન દક્ષિણ અમેરિકાનાં પેરૂમાં અમેરિકાના પ્રમુખ જો બાયડેન, જાપાનના વડાપ્રધાન શિગેરૂ ઈશીબા અને દક્ષિણ કોરિયાના પ્રમુખ યૂન સુક એ ઓલ આ સપ્તાહમાં 'એશિયા પેસિફિક ઈકોનોમિક કો ઓપરેશન'ની મીટિંગમાં મળવાના છે ત્યારે ઉત્તર કોરિયાની આ યુદ્ધોન્મુખતાની પણ ચર્ચા થવા સંભવ છે.