ઉત્તર કોરિયાએ યુરેનિયમ એનરિચમેન્ટ ફેસિલિટીની તસવીરો જાહેર કરી, પરમાણુ શસ્ત્રો બનાવવા સૌથી મહત્ત્વનું મટિરિયલ
- સમૃદ્ધ યુરેનિયમ (યુ-238) પરમાણુ બોમ્બ બનાવવા માટે જરૂરી, તે બનાવવા રશિયા અને ચીને કિમ જોંગ ઉનને સંપૂર્ણ સહાય કરી છે
પ્યોગ્યાંગ : ઉત્તર કોરિયાએ આજે (શુક્રવારે) પહેલી જ વાર તેની યુરેનિયમ એનરિચમેન્ટ ફેસિલિટીની તસવીરો પ્રદર્શિત કરી હતી. તેમાં પ્રમુખ કિમ જોંગ ઉન તે સમૃદ્ધ યુરેનિયમના પ્લાન્ટમાં વિજ્ઞાનીઓ અને ટેકનિશિયનો સાથે ચર્ચા કરતા દેખાયા હતા. તેઓ વિજ્ઞાનીઓને અને ટેક્નિશ્યનોને વધુ સેન્ટ્રી ફ્યુગલ્સ બનાવવા અપીલ કરતાં કહ્યું હતું કે ‘અમારા દેશની મિસાઇલો પર હજુ વધુને વધુ પરમાણુ શસ્ત્રોની જરૂર છે. આ માટે અમારે હજુ પણ વધુ આગળ વધવાનું છે.’
વિશ્લેષણકારો કહે છે કે ઇન્ટરનેશનલ એટમિક એનર્જી કમિશન (વિયેના)એ ઉત્તર કોરિયાને પરમાણુ બોંબ નહીં બનાવવા ભારપૂર્વક કહ્યું હતું. પરંતુ તે પ્રત્યે ઐસી કી તૈસી કરી ઉ.કોરિયાએ પરમાણુ બોમ્બ બનાવવાની શરૂઆત કરી જ દીધી હતી. આ પૂર્વે તેને રશિયા અને ચાયનાએ સમૃદ્ધ યુરેનિયમ (યુ-238) બનાવવામાં તેને પૂરી સહાય તેના વિજ્ઞાનીઓ અને ટેકનિશિયનોએ કરી હતી.
વાસ્તવમાં ઉ.કોરિયા પાસે પહેલેથી જ ૨૫૦ જેટલા પરમાણુ બોમ્બ હોવાનું માનવામાં આવે છે. તે માટે સમૃદ્ધ યુરેનિયમ અનિવાર્ય હતું. રશિયા અને ચાયનાએ તે પૂરું પાડ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે તે વધુ સેન્ટ્રી ફયુગલ્સ બનાવી રહ્યું છે. તે માટે રશિયા-ચીન તેને સહાય કરે છે.
નિરીક્ષકો કહે છે કે વાસ્તવમાં કીમ જોંગ ઉને પહેલા ભૂમિગત ફેસિલિટી બનાવી જ દીધી હતી. પરંતુ હજી સુધી તેણે તે હકીકત ગુપ્ત રાખી હતી. પરંતુ અમેરિકન ચૂંટણી (પ્રમુખ પદની ચૂંટણી) નજીક આવે છે તે સાથે આ જાહેરાત કરવા પાછળ ઉનનો હેતુ તે ચૂંટણી પર પ્રભાવ પાડવાનો છે.