અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે નોરોવાઇરસ, જાણો કેટલો ખતરનાક છે અને શું છે તેના લક્ષણ...
Image Source: Twitter
વોશિંગ્ટન, તા. 24 ફેબ્રુઆરી 2024 શનિવાર
ચીનથી સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાઇરસ બાદ અમેરિકામાં એક નવો વાઇરસ લોકોને પરેશાન કરી રહ્યો છે. આ વાઇરસનું નામ નોરોવાઇરસ છે. સામાન્ય ભાષામાં તેને 'વિન્ટર વોમિટિંગ બગ' અને 'સ્ટોમક ફ્લૂ' પણ કહેવામાં આવે છે. આ વાઈરસથી પ્રભાવિત વ્યક્તિને ઉલટી અને ઝાડા જેવી સમસ્યાઓ પરેશાન કરે છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો એટલે કે CDC નું કહેવુ છે કે પેટનો વાઈરસ જેને સામાન્યરીતે નોરોવાઈરસ કહેવામાં આવે છે હાલ અમેરિકાના પૂર્વોત્તર વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ડિસેમ્બર 2023થી નોરોવાઈરસના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે.
નોરોવાઈરસના લક્ષણ
સીડીસી અનુસાર નોરોવાઈરસના કેસ જે અમેરિકામાં સામે આવી રહ્યા છે તેમાં ઉલટી, ઝાડા, પેટ કે આંતરડામાં સોજો, ઝડપી ગેસ્ટ્રોએન્ટેરિટિસ અને ખાણી-પીણી સાથે જોડાયેલી સમસ્યાઓ સામે આવી રહી છે. આ બીમારી કોઈ પણ ઉંમરના લોકોને અસર કરી શકે છે અને આ વાઈરસ ઝડપથી અને મોટા પાયે ફેલાય છે. સીડીસી દિશાનિર્દેશો અનુસાર નોરોવાઈરસના લક્ષણ સામાન્યરીતે સંક્રમણના 12થી 48 કલાક બાદ જોવા મળે છે. મોટાભાગના લોકો 1-3 દિવસમાં સાજા થઈ જાય છે પરંતુ થોડા દિવસ સુધી સંક્રમક રહે છે.
આ વાઈરસ કેવી રીતે ફેલાય છે
સંક્રમિત વ્યક્તિના મળ કે પછી ઉલટીમાં નીકળનાર નાના કણોથી ફેલાય છે. નોરોવાઈરસથી સંક્રમિત કોઈ વ્યક્તિની સાથે સીધો સંપર્ક જેમ કે સારસંભાળ કરવી, ભોજન કે વાસણ શેર કરવા કે તેમના દ્વારા બનાવવામાં આવેલુ ભોજન જમવાથી ફેલાય છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવતા ભોજનથી ફેલાય છે.
નોરોવાઈરસથી કેવી રીતે બચવુ
રિપોર્ટ અનુસાર નોરોવાઈરસને ફેલાવાથી રોકવા માટે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. તેને ફેલાવાથી રોકવા માટે સાબુ અને પાણીથી હાથને સારી રીતે ધોવો. કપડાને ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો. બહારનું ભોજન જમવાથી બચવુ.
નોરોવાઈરસથી મોત
સીડીસી ડેટા અનુસાર નોરોવાઈરસ અમેરિકામાં વાર્ષિક લગભગ 19થી 21 મિલિયન બીમારીઓનું કારણ બને છે. જેમાં સૌથી વધુ સંક્રમણના કેસ નવેમ્બરથી એપ્રિલ સુધી સામે આવે છે. દર વર્ષે નોરોવાઈરસના કારણે લગભગ 109,000 લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે અને 900 મોત નીપજે છે.