લક્ઝુરિયસ ક્રૂઝ શિપ પર નોરોવાઈરસનો પ્રકોપ ફેલાયો, ચાલક દળના સભ્યો સહિત 241 પ્રવાસી બીમાર
Norovirus Outbreak On Luxury Cruise : અમેરિકાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર (CDC)ના જણાવ્યા અનુસાર, ઈંગ્લેન્ડના પૂર્વ કેરેબિયન જઈ રહેલા લક્ઝુરિયસ ક્રૂઝ શિપ પર નોરોવાઈરસ ફેલાતા શિપમાં સવાર 200થી વધુ મુસાફરો અને ચાલક દળના સભ્યો બીમાર પડ્યા છે.
શિપમાં 2538 પ્રવાસીઓ અને 1232 ચાલક દળના સભ્યો સવાર
ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ઈંગ્લેન્ડના પૂર્વ કેરેબિયન જઈ રહેલા ક્યૂનાઈડ લાઈન્સનું ક્વીન મૈરી-2 નામની લક્ઝુરિયસ ક્રૂઝ શિપમાં કુલ 2538 પ્રવાસીઓ અને 1232 ચાલક દળના સભ્યો સવાર છે, જેમાંથી 224 પ્રવાસીઓ અને ચાલક દળના 17 સભ્યો વાયરસનો શિકાર થયા છે. નોરોવાઈરસના મુખ્ય લક્ષણોમાં ઝાડા અને ઉલ્ટી થઈ હોય છે. ક્રૂઝ મૈપર નામની એક ટ્રેકિંગ વેબસાઈટના જણાવ્યા મુજબ, લક્ઝુરિયસ ક્રૂઝ શિપ 18 માર્ચે ન્યૂયોર્ક પહોંચ્યા બાદ વાયરસ ફેલાયો હોવાની માહિતી મળી હતી.
પ્રવાસીઓના લોહિના નમૂના ટેસ્ટિંગ માટે મોકલાયા
મીડિયા રિપોર્ટ મુજબ, ‘ક્યૂનાઈડ લાઈન્સે મંગળવારે સત્તાવાર નિવેદન આપીને કહ્યું હતું કે, ‘વાયરલ ફેલાયો હોવાની માહિતી મળ્યા બાદ ક્રૂઝ શિપની સફાઈ કરવામાં આવી છે અને ચેપગ્રસ્ત પ્રવાસીઓ પર કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. અમારા ચાલક દળના સભ્યોએ તુરંત આપેલી સારવારના કારણે વાયરસના કેસમાં ઘટાડો થયો છે.’ સીડીસીએ પણ કહ્યું કે, ક્રૂઝની સફાઈ અને જીવાણુ નાશ કરવાની પ્રક્રિયા વધારી દેવાઈ છે. બિમાર પ્રવાસીઓ અને ચાલક દળના સભ્યોને અલગ કરવામાં આવ્યા છે. જે પ્રવાસીઓ વાયરસને શિકાર થયા છે, તેમના લોહિના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલાયા છે.’
ક્રૂઝ શીફ અન્ય દેશોમાં પણ ગયું હતું
ક્રૂઝ શિપ 15 માર્ચે ન્યૂયોર્ક આવ્યું હતું, ત્યારબાદ હાલ તે ઉત્તર પશ્ચિમ એટલાન્ટિકા મહાસાગરમાં છે. ત્યારથી અત્યાર સુધીમાં ક્રૂઝ શિપ સેન્ટ લુસિયા ટાપુ, બાર્બાડોસ અને ડોમિનિકા સહિત અન્ય દેશોમાં પણ ઉભી રહ્યું હતું, તેથી આ સ્થળોએ પણ સાવચેતીના પગલા શરૂ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : શિક્ષણ બાદ હેલ્થ વિભાગ પર ટ્રમ્પની ગાજ, 10,000 કર્મચારીઓની એક ઝાટકે છટણીની તૈયારી
નોરોવાયરસના લક્ષણો શું છે
નોરોવાયરસના મુખ્ય લક્ષણો ઉલ્ટી અને ઝાડા છે. નોરોવાયરસથી કોઈ વ્યક્તિ જીવનકાળ દરમિયાન ઘણી વખત સંક્રમિત થઈ શકે છે, કારણ કે તેના ઘણા પ્રકાર છે. આ વાયરસના મુખ્ય લક્ષણો ઉલ્ટી, ઝાડા, પેટમાં દુખાવો અને ઉબકા છે. ક્યારેક દર્દી તાવ, માથાનો દુખાવો અને શરીરના દુખાવાની ફરિયાદ કરતો હોય છે. જો આ વાયરસથી ચેપ લાગે છે, તો પેટ અથવા આંતરડામાં બળતરા થઈ શકે છે. ચેપ લાગ્યાના 12થી 48 કલાક પછી તેના લક્ષણો દેખાવા લાગે છે. ત્યારબાદ 1થી 3 દિવસમાં રાહત અનુભવાય છે.
નોરોવાયરસ કેવી રીતે ફેલાય છે ?
નોરોવાયરસ બગડેલા ખોરાક અને પાણી દ્વારા ફેલાઈ શકે છે. બીજી તરફ આજુબાજુ ગંદકીના ઢગલા, ગટરની સફાઈ ન થાય તો પણ નોરોવાયરસ ફેલાવાનો ભય રહે છે. નોરોવાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ ચેપ લાગવાનું જોખમ વધી જાય છે.
નોરોવાયરસથી બચવાની રીત
ડોક્ટર્સ કહે છે કે જો કોઈને નોરોવાયરસનો ચેપ લાગે છે તો તેણે દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ. તેનું કારણ એ છે કે આ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં ડિહાઇડ્રેશનની સમસ્યા વધી જાય છે. એવું પણ કહેવાયું છે કે નાના બાળકોમાં આ વાયરસ વધુ ઘાતકરૂપ ધારણ કરી શકે છે. બીજી તરફ જો કોઈ વ્યક્તિ પહેલાથી જ કોઈ રોગનો સામનો કરી રહ્યો હોત તો તેનામાં આ નોરોવાયરસના લક્ષણો વધુ દેખાઈ શકે છે.
આ પણ વાંચો : 'આ વખતે કોઈને રાહત નહીં....' ટેરિફ વૉર મુદ્દે ટ્રમ્પની સ્પષ્ટ વાત, જાણો ભારતનું શું થશે