'ભાઈના ઘરમાં આગ લાગી જાય તો..' બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે નોબેલ વિજેતાની ભારતને અપીલ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓ માટે ક્વોટા સિસ્ટમ નાબૂદ કરવાની માંગ સાથે લાંબા સમયથી ચાલી રહેલા વિદ્યાર્થીઓના દેખાવો રવિવારે ફરી હિંસક બન્યા હતા. જેમાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. દેશની આવી સ્થિતિ જોઇને બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે ચિંતા વ્યક્ત કરી છે.
બાંગ્લાદેશના વિરોધ પ્રદર્શન પર ભારતનો ટિપ્પણી કરવાનો ઇનકાર
ગયા મહિને, ભારતે બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. તેમજ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે બાંગ્લાદેશમાં ચાલી રહેલા વિરોધ પર ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું, 'અમે આને બાંગ્લાદેશની ઘરેલું મામલો માનીએ છીએ.' આથી મોહમ્મદ યુનુસે ભારતની આ પ્રતિક્રિયા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'બાંગ્લાદેશના આ ઉથલપાથલ પાડોશી દેશોમાં પણ ફેલાઈ શકે છે.'
'ભાઈના ઘરમાં આગ લાગી જાય તો..'
નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, 'જ્યારે ભારત કહે છે કે આ ઘરેલું મામલો છે ત્યારે મને દુઃખ થાય છે. જો તમારા ભાઈના ઘરમાં આગ લાગી હોય, તો તમે તેને ઘરેલું બાબત કેવી રીતે કહી શકો? ઘણી વસ્તુઓ કૂટનીતિમાં આવે છે અને એમ ન કહી શકાય કે આ તેમનો ઘરેલુ મુદ્દો છે. 17 કરોડની વસ્તીવાળા બાંગ્લાદેશમાં લોકો સંઘર્ષનો સામનો કરી રહ્યા છે, સરકારી દળો દ્વારા યુવાનોની હત્યા થઈ રહી છે અને કાયદો અને વ્યવસ્થા બગડી રહી છે. બાંગ્લાદેશમાં ઉથલપાથલ માત્ર તેની સરહદો સુધી સીમિત નહીં રહે પરંતુ પાડોશી દેશોને પણ અસર કરશે.'
કોણ છે નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ?
યુનુસે 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી. જેમાં ગરીબોને પોતાના નાના પાયાના ઉદ્યોગો શરૂ કરવા માટે લોન આપવામાં આવતી હતી. જેથી બાંગ્લાદેશના લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢી શકાય. યુનુસના કામના કારણે તેમને 2006માં નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
જયારે શેખ હસીનાએ યુનુસ પર ગરીબોનું લોહી ચૂસવાનો આરોપ લગાવ્યો છે, તેમજ તેમનું કહેવું છે કે યુનુસે શરૂ કરેલી ગ્રામીણ બેંકો ગરીબો પાસેથી વધુ પડતું વ્યાજ વસૂલે છે. આથી તાજેતરમાં યુનુસ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.