જાપાનના આ એનજીઓને મળ્યો નોબેલ શાંતિ પુરસ્કાર, પરમાણુ હથિયારોથી મુક્ત બનાવવા કરે છે કામગીરી
Nobel Peace Award Japanese NGO: જાપાનના એનજીઓ એટોમિક બોમ્બ સર્વાઇવર્સ ગ્રૂપ નિહોન હિડેન્ક્યોને 2024 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે. નોબેલ કમિટી ચેર જોર્ગેન વાટને ફ્રાયડનેસે હિરોશિમા અને નાગાસાકી પરમાણુ હુમલામાં બચેલા લોકોની સંસ્થા નિહોન હિડેન્ક્યોની કામગીરીને બિરદાવતાં શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી. આ સંસ્થા વિશ્વને પરમાણુ હથિયારોથી મુક્ત કરવાની કામગીરી કરી રહી છે.
1956માં સ્થાપિત નિહોન હિડેન્ક્યો એ જાપાનમાં પરમાણુ બોમ્બ હુમલામાં જીવિત બચેલા લોકોની સૌથી મોટી સંસ્થા છે. જે હિબાકુશા તરીકે ઓળખાય છે. જે વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારોથી મુક્ત બનવા અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરી રહી છે. તેઓ ઑગસ્ટ, 1945માં હિરોશિમા અને નાગાસાકીમાં થયેલા પરમાણુ હુમલામાં સર્જાયેલી તબાહીની સત્ય વાર્તાઓ અને આપવીતી જણાવી લોકોને પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવા અપીલ કરી રહી છે.
ગત વર્ષે ઈરાનમાં મહિલાઓના ઉત્પીડન વિરુદ્ધ સંઘર્ષ અને માનવાધિકાર તથા સ્વતંત્રતા માટે લડાઈ માટે ઈરાની માનવાધિકાર કાર્યકર નર્ગેસ મોહમ્મદીને નોબેલ શાંતિ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો.
આ છ કેટેગરીમાં મળે છે નોબેલ પુરસ્કાર
- ભૌતિક (Physics)
- કેમેસ્ટ્રી (Chemistry)
- મેડિસિન (Medicine)
- સાહિત્ય (Literature)
- શાંતિ (Peace)
- અર્થશાસ્ત્ર (Economics)