Get The App

Explained: બાંગ્લાદેશ ભડકે બળ્યું, કેમ શેખ હસીનાને દેશ છોડી ભારતમાં શરણ લેવી પડી? સમજો સરળ ભાષામાં

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
Explained: બાંગ્લાદેશ ભડકે બળ્યું, કેમ શેખ હસીનાને દેશ છોડી ભારતમાં શરણ લેવી પડી? સમજો સરળ ભાષામાં 1 - image


Bangladesh Supreme Court Verdict On Reservation: બાંગ્લાદેશમાં માહોલ કાબૂ બહાર થઈ ગયો છે. વડાંપ્રધાન દેશ છોડી ભારતમાં શરણ લેવા આવી પહોંચ્યા છે. દેખાવકારોએ તેમના નિવાસ પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ સત્તાપલટાના સમાચાર સૌની સામે આવી ગયા. તાજેતરના અહેવાલ મુજબ બાંગ્લાદેશની સેનાએ કહ્યું છે કે દેશમાં વચગાળાની સરકાર રચાશે. એનાથી એ વાતના સંકેત મળી ગયા છે કે શેખ હસીનાએ રાજીનામુ આપી દીધું છે.  

તો અહીં ચર્ચાનો મુદ્દો એ છે કે બાંગ્લાદેશમાં આવી નોબત સર્જાઈ કેમ? શું છે આ બળવાનું કારણ? ચાલો સમજીએ... 

બાંગ્લાદેશમાં અનામતને લઈને ચાલી રહેલી હિંસા વચ્ચે ત્યાંની સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો હતો. બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીઓમાં મળતી મોટાભાગની અનામતો રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે અનામત યથાવત્ રાખવાના નીચલી કોર્ટના ચુકાદાને પણ રદ કરી દીધો અને 93 ટકા નોકરી મેરિટ પર આધારિત કરવાનો આદેશ આપ્યો. હવે 1971ના યુદ્ધમાં ભાગ લેનારાના પરિવારને માત્ર પાંચ ટકા અનામત આપવામાં આવશે.

લાયકાતના આધારે નોકરી મળશે : સુપ્રીમ કોર્ટ 

હાઈકોર્ટના નિર્ણયને પલટાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગભગ તમામ સરકારી નોકરીઓ મેરિટના આધારે આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અનામત સુધારાને લઈને ઘણાં દિવસોથી હિંસાનો દોર ચાલી રહ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હિંસાને જોતા વડાંપ્રધાન હસીના સરકારે સમગ્ર દેશમાં કર્ફ્યૂ લગાવી દીધો હતો અને હવે સ્થિતિ કાબૂ બહાર થઈ જતાં તેમણે દેશ છોડવો પડ્યો. 

સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં શું થયું હતું? 

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વિદ્યાર્થીઓ વતી પાંચ વકીલોને દલીલો રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સુનાવણીમાં હાજર રહેલા કુલ નવમાંથી આઠ વકીલોએ હાઈકોર્ટના નિર્ણયને ઉથલાવી દેવાની વાત કરી હતી. માત્ર એક વકીલે અનામતની હિમાયત કરી હતી. બાંગ્લાદેશમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સુધારા પછી, 1971ના યુદ્ધમાં ભાગ લેનારાના પરિવારો માટે એક તૃતિયાંશ સરકારી નોકરીઓ અનામત રખાઈ હતી. હવે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારો માટે માત્ર 5 ટકા બેઠક અનામત રાખી શકાય છે.

સુપ્રીમ કોર્ટનો 93 ટકા હોદ્દા પર મેરિટના આધારે નિમણૂકનો આદેશ 

બાંગ્લાદેશમાં ક્વોટા સિસ્ટમ હેઠળ 56 ટકા સરકારી નોકરી અનામત હતી. જેમાંથી 30 ટકા 1971ના મુક્તિ સંગ્રામના સેનાનીઓના વંશજો માટે, 10 ટકા પછાત વહીવટી જિલ્લા માટે, 10 ટકા મહિલાઓ માટે, 5 ટકા વંશીય લઘુમતી સમૂહો માટે અને એક ટકો વિકલાંગ લોકો માટે અનામત હતી. જો કે સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોને અપાયેલી 30 ટકા અનામત સામે વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા હતા. આ સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં 93 ટકા હોદ્દા પર મેરિટના આધારે નિમણૂકનો આદેશ કર્યો, તો 1971ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો અને અન્ય શ્રેણીઓ માટે ફક્ત સાત ટકા અનામતનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં દર વર્ષે લગભગ 3 હજાર સરકારી નોકરીઓનું સર્જન થાય છે, જેના માટે લગભગ 4 લાખ ઉમેદવારો અરજી કરે છે.

બાંગ્લાદેશમાં 2018માં પણ આંદોલન થયું હતું

બાંગ્લાદેશમાં વર્ષ 2018 પણ આ જ ક્વોટા સિસ્ટમ સામે હિંસક વિદ્યાર્થીઓનું આંદોલન થયું હતું. ત્યારબાદ શેખ હસીનાની સરકારે ક્વોટા સિસ્ટમને સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો. સરકારના આ નિર્ણયને મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગયા મહિને હાઈકોર્ટે શેખ હસીના સરકારના નિર્ણયને રદ કર્યો હતો અને ક્વોટા સિસ્ટમ યથાવત રાખવાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ સમગ્ર બાંગ્લાદેશમાં હિંસક દેખાવો શરૂ થયા હતા. વિરોધીઓએ જાહેર મિલકતોને નુકસાન પહોંચાડ્યું, બસો અને ટ્રેનોને આગ લગાવી હતી. પરિસ્થિતિ એટલી હદે કાબૂ બહાર થઈ ગઈ કે હસીના સરકારને રસ્તાઓ પર સેના મોકલવી પડી હતી.

Explained: બાંગ્લાદેશ ભડકે બળ્યું, કેમ શેખ હસીનાને દેશ છોડી ભારતમાં શરણ લેવી પડી? સમજો સરળ ભાષામાં 2 - image


Google NewsGoogle News