Get The App

દુનિયાની કોઈ તાકાત તાઈવાનને ચીન સાથે જોડવામાં રોકી નહીં શકે : શી, અમે સ્વતંત્ર જ રહીશું : તાઈવાનનો ફટકો

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
દુનિયાની કોઈ તાકાત તાઈવાનને ચીન સાથે જોડવામાં રોકી નહીં શકે : શી, અમે સ્વતંત્ર જ રહીશું : તાઈવાનનો ફટકો 1 - image


- ચીને નવ વર્ષને વધાવ્યું; યુદ્ધની ધમકીથી

- નવ વર્ષના પ્રારંભે શી જિનપિંગે તાઈવાનને ચીન સાથે જોડવાના શપથ લીધા : તાઈવાનના પ્રમુખ તેએ સંરક્ષણની પૂરી તૈયારીઓ કરી

બૈજિંગ, તાઈપે : ચીનના સરમુખત્યાર શી જિનપિંગે નવવર્ષના પ્રારંભે જ ખુલ્લી ધમકી ઉચ્ચારી છે કે દુનિયાની કોઈ તાકાત તાઈવાનને ચીન સાથે જોડતાં રોકી નહીં શકે.

એક તરફ ચીનમાં મંદીના ઓળા ઉતરી રહ્યા છે. બીજી તરફ અમેરિકાના નવ નિર્વાચિત પ્રમુખ ટ્રમ્પે ચીનથી થતી આયાતો ઉપર ભારે ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે અને ચીનને નશ્યત કરવા અન્ય વ્યાપારી પ્રતિબંધો મુકવાની વાત કરી છે. ત્યારે ધૂંધવાઈ ઉઠેલા ચીનના સર્વેસર્વા શી જિંન પિંગે વાસ્તવમાં અમેરિકાને જ પડકાર આપતાં કહી દીધું છે કે દુનિયાની કોઈ તાકાત તાઈવાનને ચીન સાથે જોડતાં રોકી નહીં શકે. આ સામે તાઈવાનના પ્રમુખ લાઈ ચિંગ તેએ તેટલી જ મક્કમતાથી કહી દીધું છે કે તાઈવાન તો વિશ્વ લોકશાહીઓનાં સંરક્ષણની પહેલી હરોળની મધ્યમાં ઊભું છે. અમે નમતું નહીં જ જોખીએ અમે સ્વતંત્ર જ રહીશું. તેઓએ નવવર્ષ નિમિત્તે બુધવારે રાષ્ટ્ર જોગ કરેલાં ટીવી સંબોધનમાં કહ્યું કે ચીને જરૂર પડે સેનાકીય પગલાં ભરી તાઈવાન કબ્જે કરવા માગે છે. બીજી તરફ ચીન, ઉત્તર કોરિયા, રશિયા અને ઇરાનની એકાધિકારવાદી સત્તાઓ એક થઇ ગઈ છે. તેઓ સિદ્ધાંત આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા સામે એક થઇ ધમકી રૂપ બની રહ્યા છે. આથી ઇન્ડો પેસિફિક વિસ્તાર ઉપર ગંભીર અસર ઉભી થઇ છે. વિશ્વની શાંતિ અને સ્થિરતા જોખમાયાં છે. ચીન આપણને ડરાવવા યુદ્ધ નૌકાઓથી ટાપુને ઘેરી રહ્યું છે. આપણી ઉપરથી વિમાનો ઉડાડે છે પરંતુ આપણે ડરીશું નહીં.

મૂળવાત તે છે કે ચીન આર્થિક મંદી તરફ ઢસડાઈ રહ્યું છે તેની ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટસની માંગ દેશના આંતરિક ભાગમાં પણ ઘટી છે. કારણ કે માથાદીઠ આવક ઘટી છે. આના મૂળમાં ચીનની એકંદર આવક ઘટી છે. તે છે તેના નિકાસને ફટકો પડયો છે. નિકાસ વૈશ્વિક આર્થિક પરિસ્થિતિને લીધે ઘટી છે. તેમાં ત્રણ સપ્તાહથી પણ ઓછા દિવસમાં અમેરિકાના નવ નિર્વાચિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનાં સૂત્રો સંભાળી લેવાના છે. તેઓની ચીન વિરોધી નીતિ સર્વવિદિત છે. તેઓ ચીનમાંથી થતી આયાતો ઉપર ભારે ટેરીફ (આયાત-કર) લગાડશે તે નિશ્ચિત છે.

પહેલી ટર્મ વખતે પણ તેઓએ ચીનની બનાવટની ચીજો ઉપર નાખેલા ભારે ટેરિફ દ્વારા, યુએસની તિજોરીમાં ૨૦૧૮-૧૯ દરમિયાન એક જ વર્ષમાં ૩૮૦ અબજ ડોલર એકઠા કર્યા હતા, અને કહ્યું હતું કે ચીન આ રીતે અમેરિકાને ચૂસી રહ્યું છે. હવે ફરી ટ્રમ્પ સત્તાધીશ બનશે તો ચીનની ચીજો ઉપર ભારે ટેરિફ લગાડશે. ચીનની મોટાભાગની નિકાસ અમેરિકામાં થાય છે તેથી અત્યારે જ આર્થિક અવનતિ તરફ ઢળી રહેલાં ચીનને ભારે ફટકો પડે તેમ છે.

નિરીક્ષકો કહે છે કે ચીનમાં એક તરફ ઉત્પાદન ઘટયું છે. બીજી તરફ બેકારી વધી છે. ત્રીજી તરફ મોંઘવારી વધી છે. તે બધાથી જનતાનું ધ્યાન બીજે દોરવા શી જિનપિંગ તાઈવાન ગળી જવા લશ્કરી પગલાં લેશે, તો ૨૦૨૫નું વર્ષ વિશ્વ માટે ખતરનાક બની રહેશે. પેસિફિકમાં પ્રવેશ દ્વાર સમાન તાઈવાન બચાવવા અમેરિકા અને સાથી રાષ્ટ્રો મેદાને પડશે જ સાથે વિશ્વ માટે એકવીસમી સદી એક વસમી સદી બની રહેશે.


Google NewsGoogle News