પુતિનની ધમકીથી નાટોનું જ સભ્ય પોલેન્ડ ગભરાયું યુક્રેનમાં સેના મોકલવા અંગે તેણે યુ-ટર્ન લઈ લીધો
- યુક્રેનમાં અન્ય દેશોની દરમિયાનગીરી સામે પુતિનની લાલ આંખ તે પછી યુક્રેનમાં સેના મોકલવા અંગે નાટો દેશોએ વિચાર માંડી વાળ્યો
વેર્સો, નવી દિલ્હી : રશિયા- યુક્રેન યુદ્ધ ખતરનાક વળાંક લઈ રહ્યું છે. ત્રીજા વર્ષમાં પ્રવેશી ગયેલા આ યુદ્ધમાં લાખ્ખોના મૃત્યુ થયા છે અબજો- અબજો ડોલર્સનું નુકસાન થયું છે લાખ્ખો દેશ (યુક્રેન) છોડી નાસી રહ્યા છે. ટીવી પર્દે જોઈ શકાય છે કે યુક્રેનના દરેક મોટા શહેરો તો ખંડેર થઈ ગયા છે.
ઝેલેનસ્કીએ કદાચ ધાર્યું હશે કે રશિયા જેવો હુમલો કરશે કે તુર્ત જ અમેરિકા સહિત પશ્ચિમના દેશો કે નાટો રાષ્ટ્રો રશિયા પર તૂટી પડશે. પરંતુ તેવું કશું જ થયું નથી. તેટલું સત્ય છે કે પશ્ચિમના શસ્ત્રો અને પૈસાના જોરે યુક્રેન રશિયાને ગઝબની ટક્કર આપી રહ્યું છે. પરંતુ હવે યુક્રેનમાં માનવ બળ તૂટી રહ્યું છે. બીજી તરફ યુક્રેનમાં સીધી દખલ કરવા સામે પુતિને ખુલ્લી ધમકી આપી દીધી છે તેણે તો પરમાણુ બોમ્બ સુધીની ધમકી આપી દીધી છે. આથી તો નાટો રાષ્ટ્રો ગભરાઈ ગયા છે નાટોનું સભ્ય બનેલ પોલેન્ડ પહેલાં તો યુક્રેનમાં માનવબળની આપૂર્તિ માટે પોતાની સેના મોકલવાની જાહેરાત પણ કરી દીધી હતી પરંતુ રશિયાની ધમકીથી ડરીને પોલેન્ડે છેલ્લી ઘડીએ યુ-ટર્ન લઈ લીધો છે અને યુક્રેનમા સેના નહિ મોકલવા નિર્ણય કર્યો છે.
પોલેન્ડે આ અંગે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'યુક્રેનમાં સેના મોકલવાની અમારી કોઈ યોજના નથી.' જાણકારો કહે છે કે, પુતિનની ધમકી પછી પોલેન્ડે આ નિર્ણય લીધો છે તેણે ત્યાં સુધી કહી દીધું છે કે યુક્રેનની સેનાને પ્રશિક્ષિત કરવા માટે પણ ટુકડીઓ મોકલવાની હતી તે પણ હવે ત્યાં નહીં મોકલવામાં આવે.