કોઇપણ યુદ્ધ તે દૂરનું યુદ્ધ નથી : વ્યૂહાત્મક સ્વાયત્તતા યુદ્ધ સમયે રાખી શકાય નહીં

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
કોઇપણ યુદ્ધ તે દૂરનું યુદ્ધ નથી : વ્યૂહાત્મક સ્વાયત્તતા યુદ્ધ સમયે રાખી શકાય નહીં 1 - image


- નામોલ્લેખ વિના ગાર્સેટ્ટીના ભારત પર પ્રહારો

- ભારત-ચીન સીમા વિવાદનો ઉલ્લેખ કરતાં ગાર્સેટ્ટીએ કહ્યું ભારત અને અમેરિકા બંનેએ સાર્વભૌમ સરહદોને માન આપવું જોઈએ

નવીદિલ્હી : વ્યૂહાત્મક સ્વાયત્તતા યુદ્ધ સમયે જાળવી ન જ શકાય, તેમાં પણ જ્યારે એક દેશ બીજા દેશની સાર્વભૌમ સરહદ ઓળંગે ત્યારે તો તે રહી જ ન શકે. તેમ દિલ્હી સ્થિત અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટ્ટીએ ઇન્ડીયા-યુએસ ડીફેન્સ પાર્ટનરશિપ નામક સંમેલનમાં કહ્યું હતું.

સહજ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત અને પ્રમુખ પુતિન સાથેની તેઓની ગાઢ બની રહેલી મૈત્રીથી અમેરિકા ઘણું જ નારાજ છે. તેમ છતાં અમેરિકા ઇચ્છે છે કે ભારત-રશિયા વચ્ચેની લાંબા સમયની નિકટતાને લીધે યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવામાં મોદી સહાયભૂત બને. 

આમ છતાં ગઈકાલે સાંજે યોજાયેલાં આ સંમેલનમાં એરિક ગાર્સેટ્ટીએ યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, આજનાં વિશ્વમાં કોઈપણ યુદ્ધ તે દૂરનું યુદ્ધ બને તેમ નથી. તેટલું જ નહીં પરંતુ યુદ્ધ સમયે મિત્ર-રાષ્ટ્રો વ્યૂહાત્મક-સ્વાયત્તતા રાખી શકે જ નહીં. આ સાથે તેઓએ તેટલું તો સ્વીકાર્યું જ હતું કે પ્રમુખ પુતિન સાથેની નિકટતાને લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેન યુદ્ધમાં શાંતિ સ્થાપવા સહાયભૂત થઈ જશે તેમ છે.

ભારત દ્વારા રશિયા પાસેથી ખરીદાતા લશ્કરી સરંજામનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે તેનું કારણ તે છે કે ભારતે પહેલાં લીધેલાં રશિયન શસ્ત્રોના સ્પેરપાર્ટ્સ તેને લેવા જ પડે તેમ છે. પરંતુ હવે તો ભારતને અમેરિકા પણ મોટા પાયે શસ્ત્રો આપે છે. તેથી પરિસ્થિતિ બદલાઈ રહી છે.

એરિક ગાર્સેટ્ટીએ તેમનાં વક્તવ્યમાં ભારત-ચીન સીમા વિવાદનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, દરેક દેશને તેની પ્રાદેશિક અખંડિતતા અને સરહદીય સાર્વભૌમત્વ જાળવવાનો અધિકાર છે જ. તેવી જ રીતે યુક્રેનને પણ તેની પ્રાદેશિક અખંડિતતા અને સરહદીય સાર્વભૌમત્વ જાળવવાનો અધિકાર છે જ.

અમેરિકન દૂતના ઉગ્ર પ્રહારો અંગે ભારતનાં વિદેશ મંત્રાલયે કશો પણ પ્રતિભાવ આપવાનો ઇન્કાર કર્યો હતો.


Google NewsGoogle News