UFO કે એલિયનની વાતના કોઈ પુરાવા નથી: પેન્ટાગોન

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
UFO કે એલિયનની વાતના કોઈ પુરાવા નથી: પેન્ટાગોન 1 - image


- યુએફઓ પ્રકરણ પર પડદો પડી ગયો

- છેક 1945થી યુએફઓનું તૂત શરુ થયુ હતુ, પરંતુ તેમા વિશ્વસનીય કશું મળ્યુંનથી 

વોશિંગ્ટન : અમેરિકામાં વારંવાર દેખાતા યુએફઓના પ્રકરણ પર પેન્ટાગોને પડદો પાડી દીધો છે. પેન્ટાગોનના અભ્યાસના શુક્રવારે જારી થયેલા તારણ મુજબ છેલ્લા એક સદીથી યુએફઓની ચાલતી વાતના કે એલિયનના કોઈ પુરાવા મળ્યા નથી. 

આ અહેવાલના પગલે છેલ્લા કેટલાય દાયકાથી યુએફઓ કે એલિયન દેખાતા હોવાના પ્રકરણને અમેરિકન સરકારે હવે પૂરુ કરી દીધું છે. અમેરિકામાં છેક ૧૯૪૫થી અનઆઇડેન્ટિફાઇન્ડ ઓબ્જેક્ટ્સ (યુએફઓ) દેખાતા હોવાની અને એલિયનની વાતો ચાલતી હતી.

અમેરિકન કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવેલા આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બધા તપાસલક્ષી અહેવાલો તે તારણ તરફ દોરી જાય છે કે આ પ્રકારની વસ્તુ દેખાવવાની વાત વાસ્તવમાં એક રીતે ખોટી ઓળખનું પરિણામ છે અથવા આકાશમાં ફરતા પદાર્થ અંગેની જાણકારીનો અભાવ છે. 

અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ છેલ્લા કેટલાય વર્ષો દરમિયાન આ રીતે દેખાયેલા યુએફઓના જવાબ મેળવવા પ્રયત્ન કર્યા છે, પરંતુ તેઓને આવું કશું મળ્યું નથી કે કોઈ એલિયન પણ મળ્યું નથી. સરકારે ૨૦૨૧માં અહેવાલ આપ્યો હતો કે એરક્રાફ્ટ કે તેના જેવા અન્ય સાધનો અકલ્પનીય ઝડપે ઉડતા જોવા મળ્યા હોવાના ૧૪૪ બનાવની સમીક્ષા કરી હતી, પણ તેમા યુએફઓ કે એલિયન હોવા અંગેના કોઈ સંકેત મળ્યા ન હતા. પેન્ટાગોને આ માટે છેવટે અલગ વિભાગ શરુ કર્યો હતો અને તેના દ્વારા યુએફઓને લગતી બધી જ બાબતોની તલસ્પર્શી સમીક્ષા કર્યા પછી આ રિપોર્ટ જારી કર્યો હતો.


Google NewsGoogle News