ટ્રમ્પ સરકારની વધુ એક 'ગુલાંટ'! ગાઝા પર કબ્જાના નિવેદન પર ચોતરફી વિવાદ બાદ જુઓ શું કહ્યું
White House Clarifies on Trump Takeover Statement: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ દિવસોમાં પોતાની નીતિઓને લઈને ચર્ચામાં છે. પહેલા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ તેમની કાર્યવાહી, પછી ચીન, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદીને હોબાળો અને હવે ગાઝા પર તેમનું નિવેદન વિશ્વભરમાં હેડલાઈન્સ બનાવી રહ્યું છે.
ગાઝા પર કબ્જાના નિવેદન પર ચોતરફી વિવાદ
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે બુધવારે જણાવ્યું હતું કે, 'અમેરિકી રાષ્ટ્રપતિએ પેલેસ્ટિનિયન એન્ક્લેવ પર યુએસના કબ્જા માટેના તેમના પ્રસ્તાવના ભાગ રૂપે ગાઝાપટ્ટીમાં દેશની સૈન્ય તૈનાત કરવા માટે પ્રતિબદ્ધ નથી.' વ્હાઇટ હાઉસની આ ટિપ્પણી રિપબ્લિકન નેતા ટ્રમ્પની આશ્ચર્યજનક જાહેરાતના એક દિવસ બાદ આવી છે, આ મામલે ટ્રમ્પે કહ્યું હતું કે, 'અમેરિકા ગાઝા પર કબજો જમાવીને તેના રહેવાસીઓને કાયમી ધોરણે વસાવી લેશે.' તેમના નિવેદનની વૈશ્વિક નિંદા થઈ હતી.
યુએસએ ગાઝાના પુનર્નિર્માણમાં સામેલ થવું જોઈએ
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું હતું કે, 'રાષ્ટ્રપતિ ટ્રમ્પ માને છે કે આ ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે યુનાઇટેડ સ્ટેટ્સે ગાઝાના પુનર્નિર્માણમાં સામેલ થવું જોઈએ. આનો અર્થ એ નથી કે ગાઝામાં જમીન પર સૈનિકોની તૈનાતી બાબતે નથી.'
ટ્રમ્પે આપ્યું હતું આ નિવેદન
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગલવારે વ્હાઈટ હાઉસમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેત્યાનહૂ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ બંને નેતાઓએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ગાઝા પટ્ટીમાંથી પેલેસ્ટાઈનીઓને અન્ય જગ્યાએ ખસેડ્યા પછી યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન પ્રદેશ પર કબજો કરવામાં આવશે. અમેરિકા તેનો વિકાસ કરશે અને તેના માલિકી હક જાળવી રાખશે. અમે ગાઝા પર લાંબા ગાળાની અમેરિકન માલિકીની કલ્પના કરી રહ્યા છીએ.'
ગાઝાને વિનાશમાંથી મુક્ત કરવાનો પ્રસ્તાવઃ યુએસ વિદેશમંત્રી
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ બુધવારે કહ્યું કે, 'ટ્રમ્પે અમેરિકાને ગાઝાના પુનઃનિર્માણની જવાબદારી લેવાની ઓફર કરી છે. તેમણે ગાઝાને કાટમાળ અને વિનાશથી મુક્ત કરવા માટેનો એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેમણે કહ્યું કે પુનર્નિર્માણ દરમિયાન લોકોને રહેવા માટે ક્યાંક જરૂર પડશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરખાસ્તનો હેતુ પ્રતિકૂળ પગલાનો ન હતો અને તેની વિગતો પર હજુ પણ કામ કરવાની જરૂર છે.'
રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિવેદનની સમગ્ર વિશ્વમાં સખત નિંદા કરવામાં આવી હતી, જ્યારે તેમના સમર્થકોએ આ જાહેરાતનું સમર્થન કર્યું હતું. મુસ્લિમ દેશોએ ટ્રમ્પના નિવેદનની નિંદા કરી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પના એક ઈરાદાથી 20 લાખ લોકોનું ભાવિ જોખમમાં? અમેરિકાના સમર્થકો પણ નિર્ણયના વિરોધમાં
સંરક્ષણ સચિવ પીટ હેગસેથે કહ્યું કે, પેન્ટાગોન ગાઝા માટે તમામ વિકલ્પો પર વિચાર કરવા તૈયાર છે. તેમણે કહ્યું, 'રાષ્ટ્રપતિ બૉક્સની બહાર વિચારવા માટે તૈયાર છે, સમસ્યાઓ હલ કરવા માટે નવી અને અનન્ય, ગતિશીલ રીતો શોધી રહ્યા છે જે અઘરી લાગે છે. અમે તમામ વિકલ્પો પર વિચાર કરવા તૈયાર છીએ.'