'ક્રાંતિ દિન' નિમિત્તે ચીનમાં ન ઉજવણી, ન ભવ્ય પરેડ શી જિનપિંગે કહ્યું : કઠોર દિવસો માટે તૈયાર રહો
- ચીન હવે આર્થિક મુસીબત તરફ ઢળી રહ્યું છે : વિકાસ દર ઘટયો છે : બીજી તરફ તેણે જ પાડોશી દેશો સાથે સતત સંઘર્ષ શરૂ કર્યો છે
બૈજિંગ : ગઈકાલે તા. ૧લી ઓકટોબરે ચીનની સામ્યવાદી ક્રાંતિને ૭૫ વર્ષ પૂરા થયા છે. તે સમયે તો લગભગ નગણ્ય મનાતું ચીન આજે વિશ્વની બીજી લશ્કરી તેમજ આર્થિક મહાસત્તા બની ગયું છે. તે બંને ક્ષેેેત્રે અમેરિકાને પછાડી વિશ્વની પ્રથમ મહાસત્તા બનવા અને પૃથ્વીના પૂર્વ ગોળાર્ધની તો એક માત્ર મહાસત્તા બનવા પ્રયત્ન કરી રહ્યું છે.
પરંતુ બેબીલોનના રાજા નેબુચેડનેઝારે સ્વપ્નમાં જોયેલી પ્રતિમા કે જેનો મુકુટ અને મુખ સોનાના હતાં. છાતી અને હાથ રૂપાના હતા, પેટ અને જાંઘો ત્રાંબાની હતી, પરંતુ ગોઠણથી નીચેના પગ માટીના હતા. બસ તેવો જ ઘાટ ચીનનો થયો હોવાનું લાગી રહ્યું છે.
પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગના દેશો તથા આફ્રિકાના પશ્ચિમે રહેતા એટલાન્ટિક મહાસાગરને સ્પર્શતા દેશોને પહેલું છુટે હાથે પૈસાની લાણી કરી તે બધાને પછીથી દબાવી ત્યાં લશ્કરી થાણાં જમાવવાની દોટમાં ચીન હવે ખરેખરી આર્થિક ભીંસમાં મુકાઈ ગયું હોય તેમ લાગે છે. તેમાંએ તેનો વિકાસ દર પણ ઘટયો છે. પરિણામે ૭૫મા ઓકટોબર ક્રાંતિ દિને ચીનમાં ઉત્સાહ દેખાતો નથી. નથી કોઈ ભવ્ય ઉજવણી કે નથી યોજાયેલી પ્રબળ-પ્રક્ષેપાસ્ત્રો સાથેની ભવ્ય પરેડ.
અનેક રાજકીય વમળો તરીને ચીનને વિશ્વની બીજી મહાસત્તા બનાવનાર શી જિનપિંગથી આ વાત અજાણી હોવાનો કોઈ સંભવ જ નથી. તેથી જ તેઓ ઓકટોબર ક્રાંતિ દિને આપેલા સંદેશામાં જનતાને જણાવ્યું કે, આગળનો માર્ગ સુંવાળો અને સરળ નથી. સામે મુશ્કેલીઓ છે. અવરોધો છે. (આપણે) પ્રચંડ પવનો, તોફાનો, સમુદ્રો અને મહાસાગરીય વમળોનો સામનો કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે ઓકટોબર ક્રાંતિ ની ૬૦મી અને ૭૦મી જયંતિઓ વખતે તો ચીનમાં તે સમયના છેલ્લામાં છેલ્લા આધુનિક શસ્ત્રાસ્ત્રો સાથે ભવ્ય પરેડસ યોજાઈ હતી. દેશભરમાં ઉત્સાહ અને આનંદોત્સવ જણાતો હતો, ઠેર ઠેર શણગારો હતા, ઠેર ઠેર ચીનમાં પ્રખ્યાત કાગળના ફાનસો જોવા મળતાં હતાં. આમાનું કશું જ આ વખતે દેખાતું ન હતું. જાણે કશુંક કૈં બનવાનું છે તેવા ઓથારની ભૂખરી ચાદર સમગ્ર દેશ પર પથરાઈ રહી હોય તેવો આભાસ થતો હતો.