અફઘાનિસ્તાન: ઝૂક્યુ તાલિબાન, ગુરૂદ્વારામાં પાછુ લગાવાયુ નિશાન સાહિબ
કાબુલ, તા. 7 ઓગસ્ટ 2021 શનિવાર
તાલિબાને અફઘાનિસ્તાનમાં થાલા સાહિબ ગુરૂદ્વારામાંથી હટાવાયેલા નિશાન સાહિબને પાછુ મૂકી દીધુ છે. આંતરરાષ્ટ્રીય દબાણ બાદ તાલિબાને આ પગલુ ઉઠાવ્યુ. જોકે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક જારી છે. આ દરમિયાન શુક્રવારે અહીં તાલિબાન દ્વારા પખ્તિયા પ્રાંતના ગુરૂદ્વારાથી નિશાન સાહિબ હટાવવાનો મામલો સામે આવ્યો હતો. જે બાદ ભારત સરકારે આ મુદ્દે વાંધો વ્યક્ત કર્યો છે.
ભારત અને આંતરરાષ્ટ્રીય દબાણ બાદ તાલિબાનના અધિકારી અને લડવૈયાઓ ત્યાં ગયા હતા અને તેમણે નિશાન સાહિબને ત્યાં રાખી દીધા. ભારતીય વિશ્વ ફોરમના ચેરમેન પુનીત સિંહ ચંડોકે આ જાણકારી આપી.
કેર ટેકર પાસેથી મળી જાણકારી
પુનીત સિંહ ચંડોકે જણાવ્યુ કે તેમને તાજેતરમાં જ ગુરૂદ્વારાના સ્થાનિક કેર ટેકરે જાણકારી આપી કે ગુરૂદ્વારાના ધાબા પર નિશાન સાહિબને પૂરા સન્માન સાથે પાછુ મૂકી દેવાયુ છે. તેમણે જણાવ્યુ કે શુક્રવારે સાંજે તાલિબાનના કેટલાક ઓફિસર અને લડવૈયાઓ ગુરૂદ્વારા પહોંચ્યા હતા. તેમણે તરત જ નિશાન સાહિબને પાછુ મૂકવાનો આદેશ આપ્યો.
ચંડોકે કહ્યુ, હુ અને પ્રવાસી ભારતીય અફઘાનિસ્તાનમાં લઘુમતીના અધિકારીઓની સારી રીતે રક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રયાસોના વખાણ કરે છે. તેમણે કહ્યુ, અત્યારે સમગ્ર વિસ્તારમાં ડેટા કનેક્ટિવિટી પ્રભાવિત છે. જેવુ જ આ ઠીક થાય છે, ફોટો શેર કરીશ.
અફઘાનિસ્તાનમાં જંગ જેવી પરિસ્થિતિ
અમેરિકી સૈનિકોની વાપસી બાદથી જ અફઘાનિસ્તાનમાં તાલિબાન પોતાના પગ પ્રસરતો જઈ રહ્યો છે. અફઘાનિસ્તાનના કેટલાક શહેરોમાં સતત હિંસા જોવા મળી રહી છે. તાલિબાન અને અફઘાન સુરક્ષા દળો વચ્ચે ખૂની જંગ જારી છે. ભારતે યુદ્ધની પરિસ્થિતિને લઈને અફઘાનિસ્તાનની નાજુક સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. ભારતે કહ્યુ કે અફઘાનિસ્તાનમાં શાંતિ ઘણી મહત્વપૂર્ણ છે. ભારતે સતત આ મુદ્દા પર ચર્ચા પણ કરી છે.