ટ્રમ્પના ટ્રેડવૉરની હીટવેવમાં પીગળતાં બજાર, 9 લાખ કરોડ ડૉલરની મૂડીનું ધોવાણ
- અમેરિકાનું અર્થતંત્ર 2025ના અંતે મંદીમાં સપડાયેલું હશે તેવી 60 ટકા સંભાવના : જેપી મોર્ગન
- યુએસ માર્કેટમાં કડાકો બોલ્યો ત્યારે ટ્રમ્પ ગોલ્ફ રમતા હતા તેની તુલના રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો તેની સાથે થઈ
- અમેરિકન બજારમાં બે જ દિવસમાં 6.60 લાખ કરોડના ડોલરના કડાકાના લીધે રોકાણકારો રોયા
Donald Trump trade War Updates : ટ્રમ્પની ટ્રેડવોરે માર્કેટમાં હીટવેવ સર્જયો છે. આ હીટવેવમાં વિશ્વના બજારો રીતસરના પીગળવા લાગ્યા છે. અમેરિકન બજાર પણ તેમાથી બાકાત નથી. છેલ્લા બે દિવસમાં અમેરિકન બજારમાં જ હીટવેવના પ્રતિસાદરુપે બે દિવસમાં ડાઉજોન્સે લગબગ ચાર હજાર પોઇન્ટ ધોઈ નાખ્યા છે, જેનું મૂલ્ય 6.60 લાખ કરોડ ડાલર થાય છે. તેની સાથે વૈશ્વિક બજારોમાં આ સમય દરમિયાન 9 લાખ કરોડ ડોલરનો કડાકો બોલ્યો છે. યુરોપથી માંડીને એશિયન, આફ્રિકન બધા બજારો આ હીટવેવમાં રીતસરના પીગળ્યા છે. બજારોમાંથી મૂલ્યનું રીતસરનું બાષ્પીભવન થવા લાગ્યું છે. આખું વિશ્વ સ્તબ્ધ છે, પરંતુ ટ્રમ્પ મસ્ત છે.
ટ્રમ્પના ચૂંટાયા પછી અમેરિકન બજારમાંથી નવ લાખ કરોડ ડોલરના મૂલ્યનું સાફ થઈ ગયું છે. ડાઉ જોન્સ ચોથી નવેમ્બરે 45 હજારથી ઉપરની ટોચ બનાવ્યા પછી પહેલી વખત 38314 પોઇન્ટ પર બંધ આવ્યો છે. ડાઉ જોન્સ શુક્રવારે 5.50 ટકા એટલે કે 2231.07 પોઇન્ટ ઘટીને 38314 પોઇન્ટ બંધ આવ્યો હતો. એસએન્ડપી500 6 ટકા એટલે કે 322.44 પોઇન્ટ ઘટીને 5074.78 પર બંધ આવ્યો હતો. નાસ્ડાક 5.82 ટકા એટલે કે 962.82 પોઇન્ટ ઘટીને 15587.79 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. ક્રૂડ ઓઇલ 6.92 ટકા એટલે કે લગભગ સાત ટકા ઘટીને 62.52 ડોલર પર બંધ આવ્યું હતું. સોનાએ 2.10 ટકા એટલે કે 65.60 ડોલરનો ઘટાડો નોંધાવતા તે 3056.10 પર બંધ આવ્યું હતું.
બધા અગ્રણી યુરોપીયન બજારો સાડા ચાર ટકા જેટલા તૂટયા હતા. ફુત્સી 100 લગભગ પાંચ ટકા એટલે કે 419 પોઇન્ટ તૂટી 8054.98 થઈ ગયો હતો. જ્યારે ડેક્સ પણ આટલા ટકા એટલે કે 1075.67 પોઇન્ટ તૂટી 20641.72 થઈ ગયો હતો. કેક 40 4.026 ટકા એટલે કે 324 પોઇન્ટ ઘટીને 7274.95 પર બંધ આવ્યો હતો. આવો જ ઘટાડો એશિયાઈ બજારોમાં નોંધાયો હતો.
અમેરિકન શેરબજારમાં કડાકો બોલ્યો ત્યારે ટ્રમ્પ તેના માર એ લાગો ખાતેના નિવાસ્થાનમાં ગોલ્ફ રમવામાં મસ્ત હતા. આ તે સ્થિતિની યાદ અપાવે છે કે રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફિડલ વગાડતો હતો. આમ અમેરિકન શેરબજાર ટેરિફના હીટવેવમાં ઓગળી રહ્યુ છે ત્યારે ટ્રમ્પ ગોલ્ફ રમવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. આમ ટ્રમ્પ વિશ્વના રોકાણકારો માટે મોકાણકાર બનીને આવ્યા છે.
ચીને જણાવ્યું હતું કે ટ્રમ્પના નિર્ણયની બજાર પર શું અસર થઈ તે અમેરિકાનું બજાર બતાવે છે. અમારે કશું જ કહેવાની જરૂર નથી. આ સાથે ચીનના પ્રવક્તાએ અમેરિકન બજારમાં થયેલા ઘટાડાનો સ્ક્રીનશોટ મૂક્યો હતો.
યુએસ ફેડ રિઝર્વના પ્રમુખ જેરોમ પોવેલે પણ ચેતવણી આપતા જણાવ્યું હતું કે આના પગલે આ વર્ષે અપેક્ષિત વ્યાજદર ઘટાડો હજી પણ ઓછો થઈ શકે છે. તેના જવાબમાં ટ્રમ્પે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે જેરોમ પોલિટિક્સ બંધ કર અને દરમાં ઘટાડો કર. યુએસ ફેડ રિઝર્વ આ વર્ષે રેટમાં કમસેકમ 100 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરે તેવી આશા સેવાઈ રહી છે.
કેટલાક નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ટ્રમ્પે અમેરિકાની 3.3 લાખ કરોડ ડોલરની આયાત પર ટેરિફ નાખીને ૬૦૦ અબજ ડોલરની આવક મેળવવાનો અંદાજ મૂક્યો છે. હવે આટલા ટેરિફ પછી આટલી આયાત થશે કે કેમ તે મોટો સવાલ છે. હવે જો તેટલી આયાત જ નહીં થાય તો ટ્રમ્પ ઇચ્છે છે તેટલી આવક તો થશે જ નહી.
વૈશ્વિક સંસ્થાઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ) અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુટીઓ) તાલ ઠોકીને કહી રહ્યું છે કે ટ્રમ્પની ટેરિફ વોર ટ્રેૃડ વોરમાં રૂપાંતર પામશે અને તેના કારણે આખો વૈશ્વિક વ્યાપાર જોખમાશે.
બ્લુમ્બર્ગ બિલિયોનેર્સ ઈન્ડેકસના 13 વર્ષના ઈતિહાસમાં ગુરુવાર બાદ શુક્રવારે પાંચમો મોટો એક દિવસય ઘટાડો જોવા મળ્યો હતો. કોરોના બાદ આ સૌથી મોટા ઘટાડા જોવા મળ્યા છે.
માત્ર અમેરિકા જ નહીં એશિયા તથા યુરોપના શેરબજારોની માર્કેટ કેપમાં પણ ટેરિફ વોરને કારણે જંગી ઘટાડા જોવાયા છે.
અમેરિકા દ્વારા જાહેર કરાયેલ જંગી ટેરિફના વળતા જવાબમાં ચીને પણ અમેરિકાના માલસામાન પર 34 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ હકીકતને ધ્યાનમાં રાખતા આવનારા દિવસોમાં વૈશ્વિક શેરબજારોમાં વધુ કડાકા જોવા મળવાની તથા ટ્રેડ વોર વકરવાની શકયતા નકારાતી નથી.
દરમિયાન જેપી મોર્ગેને નવા ટેરિફને કારણે અમેરિકા મંદીમાં ધકેલાઈ જવાની ચેતવણી ઉચ્ચારી છે. આયાત ખર્ચમાં વધારો અને વેપાર ભાગીદાર દેશો દ્વારા વળતા પગલાંને પરિણામે અમેરિકાનો આર્થિક વિકાસ રૃંધાઈ જશે અને ગ્રાહકાની ખરીદ શક્તિ જોખમમાં મુકાશે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફના લીધે અમેરિકા મંદીમાં મૂકાય તેવી સંભાવના હવે ૬૦ ટકા છે. બેરોજગારી દર પાંચ ટકાનો આંકડો વટાવી જશે. વૈશ્વિક સંસ્થા આઈએમએફે ટેરિફને કારણે વિશ્વ વેપાર સામે તથા વેપાર આઉટલુક સામે ગંભીર જોખમ ઊભા થવાની ચિંતા વ્યકત કરી છે.
જંગી રેસિપ્રોકલ ટેરિફને પરિણામે વર્તમાન વર્ષમાં માલસામાનના વૈશ્વિક વેપારમાં એક ટકાનો ઘટાડો થવા સંભવ હોવાનું ડબ્લ્યુટીઓ દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે.