ભારતીય મૂળના ઉમેદવારે ટ્રમ્પને બમણાં વોટથી હરાવી રિપબ્લિકનની પ્રાયમરી ચૂંટણી જીતી રચ્યો ઈતિહાસ
ટ્રમ્પ હજુ પણ રિપબ્લિકન વતી રાષ્ટ્રપતિ પદના સૌથી મજબૂત ઉમેદવાર, નિક્કી હાલેને આ વિજયથી ઊર્જા મળશે
image : Twitter |
US Presidential Election 2024 | અમેરિકામાં ચાલુ વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાવાની છે. જોકે તેના પહેલા દેશના બંને પ્રમુખ પક્ષો રિપબ્લિકન અને ડેમોક્રેટિક વચ્ચે રાષ્ટ્રપતિ પદ માટે સત્તાવાર ઉમેદવાર પસંદ કરવાની પ્રક્રિયા ખૂબ જ ચર્ચામાં છે. અહેવાલ અનુસાર ભારતીય મૂળના નિક્કી હેલી (Nikki Haley) એ ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયામાં આયોજિત રિપબ્લિકન પ્રાઈમરી ચૂંટણીમાં પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કરી દીધા છે.
કેટલાં ટકા વોટથી હાર્યા ટ્રમ્પ
રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીમાં હવે ફક્ત નિક્કી અને ડોનાલ્ડ ટ્રમ્પ જ બાકી રહી ગયા છે. એવામાં ટ્રમ્પને હરાવી દેવા એ નિક્કી માટે મોટો વિજય મનાઈ રહ્યો છે. આ દરમિયાન નિક્કીને 62.9 ટકા જોકે ટ્રમ્પને તેમનાથી લગભગ અડધાં 33.2 ટકા વોટ જ મળ્યાં હતાં. નિક્કીએ અમેરિકી ઈતિહાસમાં રિપબ્લિકન પ્રાઈમરી જીતીને પ્રથમ મહિલા બની રેકોર્ડ સર્જી દીધો છે.
તો પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારોમાં આગળ
અગાઉ ટ્રમ્પ તમામ 8 પ્રાયમરી ચૂંટણી જીતી ગયા હતા. ઓપિનિયન પોલ અનુસાર તે આગળની તમામ પ્રાઈમરી ચૂંટણી પણ જીતી શકે છે. આ પરાજય છતાં ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ પદ માટે રિપબ્લિકન વતી ઉમેદવાર બનવા સૌથી મજબૂત દાવેદાર છે. મંગળવારે 16 રાજ્યોમાં હવે પ્રાઈમરી ચૂંટણી યોજાશે અને તેમાં નિક્કી અને ટ્રમ્પ વચ્ચે મજબૂત ટક્કર થશે.