ટ્રમ્પની હત્યાનો પ્લાન બનાવી રહેલા 17 વર્ષના 'નિકિતા' એ માતા-પિતાની કરી ક્રૂરતાપૂર્વક હત્યા
US Teen Killed Parents, Plan To Assassinate Trump: અમેરિકાથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ફક્ત 17 વર્ષના એક કિશોર પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરવાનું કાવતરું ઘડવાનો આરોપ મુકાયો છે. નિકિતા કાસાપ નામના યુવકની યોજના ટ્રમ્પની હત્યા કરીને અમેરિકાની સરકારને ઉથલાવી પાડવાની હતી. યોજના માટે જરૂરી નાણાં મેળવવા માટે તેણે તેના માતાપિતાની હત્યા પણ કરી દીધી હતી. નિકિતા કાસાપ સામેની કોર્ટ કાર્યવાહી 7 મેના રોજ કરવામાં આવશે.
કોણ છે નિકિતા કાસાપ?
અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના રહેવાસી 17 વર્ષના નિકિતા કાસાપ પર એના માતાપિતાની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ વિસ્કોન્સિનના વૌકેશા ગામમાં તેણે 11 ફેબ્રુઆરીએ તેની 51 વર્ષીય માતા તાતીઆના કાસાપ અને 51 વર્ષીય સાવકા પિતા ડોનાલ્ડ મેયરને ગોળી મારી દીધી હતી. તેણે બંને હત્યા સાવકા પિતાની બંદૂક વડે કરી હતી. બંનેના મૃતદેહ ચાદરથી ઢાંકીને નિકિતા ડોનાલ્ડની કાર અને બંદૂક લઈને ઘર છોડીને નીકળી ગયો હતો. જતાં પહેલાં તેણે ઘરમાંથી 10,000 ડોલર (આશરે રૂપિયા 8.6 લાખ)ની ચોરી પણ કરી હતી.
ભટકતા ગુનેગારને પોલીસે ઝડપી લીધો
મૃતકોની લાશ એમના ઘરમાંથી મળી આવતાં પોલીસ તપાસ શરૂ કરાઈ હતી. તાતીઆનાને ખભા પાસે ગોળી વાગી હતી અને ડોનાલ્ડને માથામાં જીવલેણ ઈજા થઈ હતી. વિસ્કોન્સિન છોડ્યા બાદ નિકિતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટકતો રહ્યો હતો. પોલીસે કેન્સાસ રાજ્યના વાકીનીમાં તેની ધરપકડ કરી હતી. પોલીસે નિકિતા પાસેથી ડોનાલ્ડની કાર અને બંદૂક જપ્ત કરી હતી. કારમાંથી ડોનાલ્ડનું ડ્રાઈવિંગ લાઈસન્સ પણ મળી આવ્યું હતું.
આ પણ વાંચોઃ ટ્રમ્પ સમક્ષ શરણાગતી સ્વીકારો નહીં તો કશું જ બચી શકશે નહીં
ટ્રમ્પને મારવા માતાપિતાની હત્યા કરી
ફક્ત 17 વર્ષના નિકિતા પાસે ટ્રમ્પને મારવા માટે નાણાં કે બંદૂક નહોતા, તેથી માતાપિતાની હત્યા કરીને તેમના નાણાં અને બંદૂક લઈને ટ્રમ્પને ગોળી મારવાની યોજના તેણે બનાવી હતી. તેના પર હત્યા કરવી, ગેરકાયદે વાહન, બંદૂક અને નાણાંની ચોરી કરવી તથા યુએસ પ્રમુખની હત્યાનું કાવતરું ઘડવું જેવા 9 આરોપ લગાવવામાં આવ્યા છે.
નિકિતા ઉગ્રવાદી વિચારધારા ધરાવતો હતો
હત્યાકાંડ આચરવા અગાઉ નિકિતા કાસાપે અમુક લખાણ લખ્યું હતું જેમાં તેણે ટ્રમ્પની હત્યા કરીને યુએસ સરકારને ઉથલાવી પાડવા માટેની હાકલ કરી હતી. તેના મોબાઈલ ફોનમાંથી હિટલરના નાઝી જૂથ પ્રેરિત ઉગ્રવાદી વિચારો ધરાવતી સામગ્રી મળી આવી હતી. પોલીસને મળેલા ત્રણ પાનાના લખાણમાં આવું લખવામાં આવ્યું હતું, ‘મને લાગે છે કે પ્રમુખ ટ્રમ્પ અને કદાચ ઉપપ્રમુખ પણ દૂર કરવાથી અમેરિકામાં થોડી અરાજકતા સર્જાશે.’ લખાણ સાથે એડોલ્ફ હિટલરના ફોટા પણ હતા. ફોટા પર ‘હેઈલ હિટલર, હેઈલ ધ વ્હાઈટ રેસ, હેઈલ વિક્ટરી’ (હિટલરનો જય હો, શ્વેત લોકોનો જય હો, વિજયનો જય હો) લખેલું હતું. ભેગું એવું લખેલું હતું કે, ‘યહૂદીઓના કબજામાં રહીને કામ કરતાં રાજકારણીઓથી શ્વેત લોકોને બચાવવા માટે હિંસા જરૂરી છે.’