પન્નુ હત્યા કેસ: આરોપી નિખિલ ગુપ્તાનું પ્રત્યાર્પણ, ચેક રિપબ્લિકથી અમેરિકા લાવવામાં આવ્યો

Updated: Jun 17th, 2024


Google NewsGoogle News
gurpatwant-singh-pannun-murder-plot


Nikhil Gupta Extradited To US: ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના ષડયંત્ર કેસમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાને હવે ચેક રિપબ્લિકમાંથી અમેરિકાને સોંપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં આ અંગેનો દાવો કરવામાં આવ્યો છે. નિખિલ પર શીખ અલગતાવાદી અને ખાલિસ્તાની પન્નુ વિરુદ્ધ હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે.

આજે તે ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં હાજર થવાની ધારણા

ખાલિસ્તાની ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડનાર આરોપી નિખિલ ગુપ્તાને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે. શીખ અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં યુએસ સરકારની વિનંતી પર 52 વર્ષીય ગુપ્તાની ગયા વર્ષે ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. આજે તે ન્યુયોર્કની ફેડરલ કોર્ટમાં હાજર થવાની ધારણા છે. ગુપ્તાને હાલમાં બ્રુકલિનમાં ફેડરલ મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે, જ્યાં તે કેદી તરીકે સૂચિબદ્ધ છે. 

30 જૂને ધરપકડ કરવામાં આવી હતી

અમેરિકાની વિનંતી પર નિખિલ ગુપ્તાની 30 જૂને ચેક રિપબ્લિકમાં ધરપકડ કરવામાં આવી હતી. તેમની ધરપકડ પર તત્કાલીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે એક ભારતીય નાગરિક હાલમાં ચેક રિપબ્લિકની કસ્ટડીમાં છે. તેના પ્રત્યાર્પણ માટેની અરજી હાલમાં પેન્ડિંગ છે. 

નિખિલ ગુપ્તા પરઆ આરોપો છે

પન્નુની હત્યાના કથિત કાવતરામાં ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાનું નામ સામે આવ્યું હતું. અમેરિકી અધિકારીઓનો આરોપ છે કે નિખિલ ગુપ્તાએ એક અજાણ્યા ભારતીય સરકારી કર્મચારીના નિર્દેશ પર અમેરિકામાં પન્નુની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ પછી અમેરિકાએ નિખિલ ગુપ્તા સામે કાર્યવાહી શરૂ કરી હતી. અમેરિકાની અપીલ પર ચેક રિપબ્લિકે નિખિલ ગુપ્તાની ધરપકડ કરી હતી અને પ્રત્યાર્પણની તૈયારીઓ શરૂ કરી હતી.


Google NewsGoogle News