ભારતના હિન્દુઓ કેનેડા છોડીને જતા રહે, ટ્રુડોના નિવેદન બાદ ખાલિસ્તાની આતંકીની ખુલ્લેઆમ ધમકી

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
ભારતના હિન્દુઓ કેનેડા છોડીને જતા રહે, ટ્રુડોના નિવેદન બાદ ખાલિસ્તાની આતંકીની ખુલ્લેઆમ ધમકી 1 - image

ઓટાવા,તા.20 સપ્ટેમ્બર 2023,બુધવાર

ખાલિસ્તાની આતંકવાદી અને ભારતમાં પ્રતિબંધિત સિખ ફોર જસ્ટિસ સંગઠનના સ્થાપક ગુરવંતસિંહ પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને ધમકી આપી છે. 

કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકીની હત્યામાં ભારતનો રોલ હોવાનુ કહ્યા બાદ ખાલિસ્તાની આતંકીઓ ગેલમાં આવી ગયા છે. ખાલિસ્તાનની માંગ કરતા પ્રમુખ આતંકીઓ પૈકીના એક પન્નુએ કેનેડામાં રહેતા હિન્દુઓને ધમકાવતો એક વિડિયો વાયરલ કર્યો છે અને  તે કાશ્મીરમાં 1990ના દાયકામાં જે રીતે કાશ્મીરી પંડિતોને ધમકી અપાતી હતી તેની યાદ દેવડાવે છે. 

આ વિડિયોમાં પન્નૂ કહે છે કે, ભારતીય હિન્દુઓ , તમે કેનેડાના બંધારણનુ અપમાન કર્યુ છે. તમારી જગ્યા ભારતમાં છે. કેનેડા છોડીને ભારત જતા રહો. ખાલિસ્તાન સમર્થિત સિખો હંમેશા કેનેડાને વફાદાર રહ્યા છે અને કેનેડાના પક્ષમાં રહ્યા છે. તેમણે કેનેડાના કાયદાનુ સન્માન કર્યુ છે. 

પન્નૂ આગળ કહે છે કે, 29 ઓક્ટોબરે કિલ ઈન્ડિયા અભિયાનમાં કેનેડામાં રહેતા તમામ સિખ ભાગ લે અને તેઓ નક્કી કરે કે ભારતના હાઈ કમિશન સંજય વર્મા હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે જવાબદાર છે. 

આ નિવેદન બાદ હિન્દુ મૂળના કેનેડાના મંત્રી અનીતા આનંદે શાંતિ જાળવવાની અપીલ કરતા કહ્યુ છે કે, સોમવારે ટ્રુડોનુ નિવેદન સાંભળવુ પણ મુશ્કેલ હતુ. અત્યારે કાયદાકીય પ્રક્રિયા ચાલુ રાખવાનો સમય છે. આપણે બધાએ એક રહેવાનુ છે. 


Google NewsGoogle News