કેનેડા PM ટ્રુડોના કારણે અટક્યો નિજ્જર હત્યા કેસ! ભારતીય હાઈ કમિશનરે ફરી કહ્યું, પુરાવા ક્યાં છે?
ટ્રુડોના આ જાહેર નિવેદન બાદ કેનેડિયન પોલીસની કાર્યવાહીમાં પણ અસર જોવા મળી રહી છે : ભારતીય રાજદૂત
India Canada Tensions : કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો, પરંતુ આજ સુધી કોઈ પુરાવા આપ્યા નથી. કેનેડામાં ભારતના હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ફરીથી એકવાર કેનેડા પાસે પુરાવા માંગ્યા છે. ભારતીય રાજદૂતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ માંગણી કરી હતી. ટ્રુડોએ નિજ્જરની હત્યામાં "ભારત સરકારના એજન્ટો"ની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો હતો. તેણે દાવો કર્યો હતો કે તેની પાસે આ અંગેની ગુપ્ત માહિતી છે. ભારતે આ આરોપોને વાહિયાત ગણાવીને ફગાવી દીધા હતા.
ભારતે ફરી કેનેડા પાસે પુરાવાની માંગ કરી
સંજય કુમાર વર્માએ આ વાત પર ભારપૂર્વક કહ્યું કે, નિજ્જરની હત્યા કેસમાં હજુ સુધી કેનેડાએ ભારત સમક્ષ કોઈ પુરાવા રજુ કર્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે જસ્ટિન ટ્રુડોના આ જાહેર નિવેદન બાદ કેનેડિયન પોલીસની કાર્યવાહીમાં પણ અસર જોવા મળી રહી છે. આ મામલે તપાસમાં સહાય કરવા અત્યાર સુધીમાં અમને કોઈ વિશેષ અથવા પ્રાસંગિક જાણકારીઓ આપવામાં આવી નથી. તેમણે સાબિતી માંગતા પ્રશ્ન કર્યો કે પુરાવા ક્યાં છે? હું આગળ આવી કહેવા માગું છું કે, તપાસ પહેલા જ દાદાગીરી શરુ થઇ ગઈ છે. મને લાગે છે કે નફરતભર્યા ભાષણ અને હિંસા માટે ઉશ્કેરણી છે. હું મારી અને કોન્સ્યુલ જનરલની સલામતી અને સુરક્ષાને લઈને ચિંતિત છું. તેમણે કહ્યું કે ભારતને આશા છે કે કેનેડા ખાલિસ્તાન સમર્થકો પર લગામ લગાવશે.