નાઈજીરિયામાં મોટી દુર્ઘટના : હાઈસ્કૂલના ફન ફેરમાં ધક્કામુક્કી બાદ નાસભાગ, 30 બાળકોનાં મોત
Nigeria Stampede | દક્ષિણ પશ્ચિમ નાઈજીરિયાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં ઓયો સ્ટેટના બોસારુન શહેરમાં આવેલી એક ઈસ્લામિક હાઈસ્કૂલમાં મોટી હોનારત સર્જાઈ. હાઈસ્કૂલમાં એક ફન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં એકાએક ધક્કામુક્કી બાદ નાસભાગ મચી જતાં અફરા તફરી મચી ગઈ હતી. જેના લીધે લગભગ 30 જેટલાં બાળકો ભીડ નીચે કચડાઈ જતાં મૃત્યુ પામ્યા હતા. આ નાસભાગમાં અનેક બાળકો પણ ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે વધુ માહિતી આપતાં ગવર્નર સેયી માકીન્ડેએ જણાવ્યું હતું કે, આ અત્યંત દુ:ખદ ઘટના છે. હજી સુધી પ્રાપ્ત અહેવાલો પ્રમાણે 30 બાળકોના ધક્કામુક્કીમાં ચકદાઈ જવાથી મૃત્યુ થયા છે. અનેક લોકોને ઇજાઓ થઇ છે જે બાળકો મૃત્યુ પામ્યા છે, તેમના માતા-પિતા પ્રત્યે અમારી પૂરેપુરી સહાનુભૂતિ છે. આ ઘટના પછી પોલીસે આયોજકોની ધરપકડ કરી છે તથા નેશનલ ઇમર્જન્સી સર્વિસને કામે લગાડાઈ છે.
સ્થાનિક મીડિયા જણાવે છે કે, વીમાન-ઇન-નીડ-ઓફ-ગાઈડન્સ એન્ડ સપોર્ટ ફાઉન્ડેશન દ્વારા આ ફનફેરનું આયોજન કરાયું હતું. ગત વર્ષે પણ તેઓએ આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓયો સ્થિત અગીડીગ્બો એફએમ રેડીયો જણાવે છે કે, આ કાર્યક્રમના આયોજકોએ એવું જાહેર કર્યું હતું કે, જે બાળકો આ કાર્યક્રમમાં ભાગ લઇ પહેલા, બીજા, ત્રીજા આવશે તે બાળકોને સ્કોરશીપ તથા ઘણી સુંદર ભેટો અપાશે.
આ કારણસર જ પ્રમાણમાં ઓછી જગામાં બહુ મોટી સંખ્યામાં બાળકો ભેગા થયાં હતા તેથી ધક્કામુક્કી થઇ અને તેમાં 30 બાળકોના મૃત્યુ થયા હતા અને અનેકને ઇજાઓ થઇ હતી.