આગામી સપ્તાહે ઝેલેન્સ્કી અમેરિકાની મુલાકાતે, પ્રમુખ બાયડેન અને કમલા હેરિસ સાથે મંત્રણા કરશે
- પશ્ચિમે આપેલાં શસ્ત્રોનો ઉપયોગ રશિયામાં ઊંડે સુધી પ્રહાર કરવા માટે છૂટ માગશે : તેમ ન કરવાની શરતે તો અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો આપ્યાં છે
કીવ, વૉશિંગ્ટન : આગામી ગુરૂવારે યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કી વૉશિંગ્ટન જવાના છે. તેઓ ત્યાં પ્રમુખ જો બાયડેન અને ઉપપ્રમુખ કમલા હેરિસ સાથે મંત્રણા કરવાના છે. એવું જાણવા મળ્યું છે કે આ મંત્રણામાં ઝેલેન્સ્કી પશ્ચિમે આપેલાં સસ્ત્રો (મિસાઇલ્સ)નો ઉપયોગ રશિયા ઉપર કરવા દેવાની છૂટ આપવા ઉપર ભાર મુકશે. એમ પણ કહેવાય છે કે ઝેલેન્સ્કીની આ મુલાકાતનો મુખ્ય હેતુ જ તે છે.
આ અંગે પ્રમુખ બાયડેને તેઓનાં ઠ પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે આગામી સપ્તાહે આવનારા ખાસ મિત્ર ઝેલેન્સ્કીનું વ્હાઇટ હાઉસમાં સ્વાગત કરતાં મને આનંદ થશે. તેઓની મુલાકાત દરમિયાન હું યુક્રેનની મુક્તિ અને સ્વાતંત્ર્ય માટે અમેરિકાની પ્રતિબદ્ધતા ફરી એક વખત દર્શાવીશ.
ઝેલેન્સ્કીની આ મુલાકાતનો મુખ્ય હેતુ અમેરિકા અને પશ્ચિમના દેશોએ તેમને આપેલાં લોંગ રેન્જ મિસાઇલ્સ રશિયામાં ઊંડે સુધી પ્રહાર કરવા માટે પરવાનગી મેળવવાનો છે.
મહત્ત્વની વાત તો તે છે કે બાયડેન એડમિનિસ્ટ્રેશન, અમેરિકાએ આપેલાં શસ્ત્રોનો ઉપયોગ રશિયા ઉપર, ઊંડે સુધી પ્રહાર કરવાની યુક્રેનને છૂટ આપવાનાં મતનું નથી. તેઓ યુક્રેન પાસે વધુ વિગતો માગી રહ્યા છે અને તે શસ્ત્રોનો ઉપયોગ ઝેલેન્સ્કી કઇ રીતે અને ક્યાં કરવા માગે છે તે અંગે વધુ વિગતો પણ માગી રહ્યા છે.
આ અધિકારીઓ માને છે કે તે શસ્ત્રોની અસર ઘણી મર્યાદિત હશે, તો સામી બાજુએ તેથી રશિયા વધુ છંછેડાશે. પ્રમુખ પુતિને જ ગત સપ્તાહે જાહેર કર્યું હતું કે જો અમેરિકા અને તેના નાટો સાથીઓ યુક્રેનને તેમણે આપેલાં શસ્ત્રો અમારી સામે વાપરવાની યુક્રેનને છૂટ આપશે, તો તે રશિયા સામેનાં સીધાં યુદ્ધ સમાન ગણવામાં આવશે. રશિયા માનશે કે તેઓ અમારી સામે યુદ્ધે ચઢ્યા છે. આથી અમેરિકા તે લોન્ગરેન્જ મિસાઇલ્સ રશિયા સામે વાપરવાની ના કહે છે.
ઝેલેન્સ્કી આ પ્રતિબંધ ઉઠાવી લેવા માટે બાયડેન અને હેરિસને સમજાવશે તેમ મનાય છે.
અમેરિકાની મુલાકાત દરમિયાન ઝેલેન્સ્કી બાયડેન અને હેરિસને જુદા જુદા મળવાના છે. હેરિસ બાયડેનના ઉત્તરાધિકારી બનશે તેમ સ્પષ્ટ માનવામાં આવે છે. કમલા ઝેલેન્સ્કીને જુલાઈ મહિનામાં સ્વિત્ઝર્લેન્ડમાં યોજાયેલી એક અંતરરાષ્ટ્રીય પરિષદમાં મળ્યાં હતાં. ત્યારે તેઓએ યુદ્ધ વિષે ચર્ચા કરી હતી. તે પછી માત્ર થોડા જ સમયે પ્રમુખ બાયડેને જાહેર કર્યું હતું કે તેઓ પ્રમુખપદની સ્પર્ધામાંથી ખસી જવાના છે અને તેઓનાં સ્થાને તેવો કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે મુકવાના છે. કમલા હેરિસ યુક્રેનને સહાય કરવાના મતનાં તો છે જ પરંતુ અમેરિકાએ આપેલાં લોંગ રેન્જ મિસાઇલ્સ રશિયા સામે વાપરવા દેવાનાં મતનાં હોય તેમ લાગતું નથી.
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે તો જણાવી જ દીધું છે કે તેઓ જો પ્રમુખપદે ચૂંટાશે તો યુક્રેન-યુદ્ધનો તુર્ત જ અંત લાવશે. પરંતુ કેવી રીતે અંત લાવશે તે કહ્યું ન હતું. જ્યારે તેમના રનિંગ મેઇટ સેનેટર જે.ડી.વાન્સે શૉન રિયાન શૉમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ટ્રમ્પની યોજના રશિયા અને યુક્રેન વચ્ચે ડી-મિલિટરાઇઝડ ઝોન (અસૈન્ય વિસ્તાર) સ્થાપવાની (બફર-ઝોન-સ્થાપવાની) યોજના છે. બીજી તરફ રશિયાએ કબ્જે કરેલો પ્રદેશ યુક્રેને પાછો માગી ન શકાય તેવી પણ સ્પષ્ટ વાત છે. ઉપરાંત યુક્રેનને નાટોમાં જોડવા સામે પણ ટ્રમ્પને વાંધો છે.
સહજ છે કે ઝેલેન્સ્કી ટ્રમ્પને મળશે નહીં બાયડેન હેરિસને મળશે.