કતારની સમાચાર ચેનલ 'અલ જજીરા' પર ઇઝરાયલે મુકયો પ્રતિબંધ, આતંકવાદ ફેલાવવાનો ગંભીર આરોપ
ઇઝરાયેલની સુરક્ષાને નુકસાન પહોંચાડીને હિંસા ફેલાવવાનો ગંભીર આરોપ
અલ જજીરાના પત્રકારો હથિયારો લઇને ઇઝરાયેલી સૈનિકો પર હુમલો કરે છે.
તેલ અવીવ,૨ એપ્રિલ,૨૦૨૪,મંગળવાર
ઇઝરાયેલ હમાસના આતંકીઓ સાથે અસ્તિત્વની લડાઇ લડી રહયું છે ત્યારે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલમાં કતારની ન્યૂઝ ચેનલ અલ જજીરાના પ્રસારણ પર પ્રતિબંધ મુકયો છે એટલું જ નહી નેતન્યાહુએ અલ જજીરાને આતંકી ચેનલ ગણાવી હતી જે સતત ઇઝરાયેલ વિરોધી કવરેજ કરતું રહે છે. અલજજીરાનું પ્રસારણ રોકવા ઇઝરાયેલના વડાપ્રધાને રાતો રાત સંસદની મીટિંગ બોલાવીને બિલ પસાર કર્યુ હતું. ઇઝરાયેલના ઘણા અધિકારીઓ લાંબા સમયથી અલ જજીરાના કવરેજ અંગે ફરિયાદ કરતા રહયા છે.
નેતન્યાહૂએ એકસ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે આતંકી ચેનલ અલ જજીરા હવે ઇઝરાયેલમાંથી પ્રસારિત થશે નહી. ચેનલની પ્રવૃતિઓને રોકવા માટે નવા કાનુન હેઠળ કાર્યવાહી કરવી એ મારો સંકલ્પ છે. ઇઝરાયેલના સંચારમંત્રીએ આરોપ મુકયો હતો કે હમાસ આતંકીની સાથે અલ જજીરાના પત્રકારો હથિયારો લઇને ઇઝરાયેલી સૈનિકો પર હુમલો કરે છે. પત્રકારત્વની આડમાં ઇઝરાયેલની વિરુધના હમાસ જંગમાં ભાગ લઇ રહી છે.
ઇઝરાયલે અલ જજીરા પર ઇઝરાયેલની સુરક્ષાને નુકસાન પહોંચાડીને હિંસા ફેલાવવાના ગંભીર આરોપ લગાવ્યા છે. ઇઝરાયેલના આ નિર્ણય અંગે કતારે કોઇ જ પ્રતિક્રિયા આપી નથી. જો કે અલ જજીરાએ ઇઝરાયેલે અગાઉ પણ ચેનલની કચેરીઓ અને કર્મચારીઓને ટાર્ગેટ કરવાનો આરોપ મુકયો છે. અમેરિકાએ પ્રતિક્રિયા આપી છે કે પ્રેસની સ્વતંત્રતાનું સન્માન કરીએ છીએ પરંતુ અલ જજીરા અંગે જે રિપોર્ટ આવ્યો છે તે જો સાચો હોયતો અત્યંત ગંભીર બાબત છે