ન્યૂઝીલેન્ડઃ ખાલિસ્તાન વિરોધી રેડિયો હોસ્ટ પર ચાકુના 40 ઘા મારનારા ખાલિસ્તાની કટ્ટરવાદીઓ દોષી કરાર
વેલિંગ્ટન,તા.2 ડિસેમ્બર 2023,શનિવાર
ન્યૂઝીલેન્ડમાં ભારતીય મૂળના એક રેડિયો હોસ્ટની હત્યાનુ કાવતરુ રચવાના મામલામાં ત્રણ ખાલિસ્તાની આતંકીઓ દોષી સાબિત થયા છે.
આ ત્રણે વ્યક્તિઓએ ઓકલેન્ડ શહેરમાં રેડિયો હોસ્ટ હરનેક સિંહની હત્યાનુ ષડયંત્ર રચ્યુ હતુ. હરનેક સિંહ ખાલિસ્તાની વિચારધારાની ટીકા કરતો હતો અને તેના કારણે ખાલિસ્તાની કટ્ટરવાદીઓની આંખે ચઢી ગયો હતો.
ખાલિસ્તાનીઓએ તેની હત્યા કરવાનુ કાવતરુ રચ્યુ હતુ. 27 વર્ષનો સર્વજીત સિધ્ધુ આ મામલાનો માસ્ટરમાઈન્ડ હતો. તેણે હત્યાની કોશિશના આરોપની કબૂલાત કરી છે. 44 વર્ષના સુખપ્રીત સિંહ નામના અન્ય એક વ્યક્તિને કાવતરુ ઘડવામાં મદદ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. ઓકલેન્ડમાં રહેતો અન્ય એક વ્યક્તિ પણ તેમાં સામેલ હતો. જોકે તેનુ નામ હજી સુધી જાહેર કરાયુ નથી.
આ મામલાની સુનાવણી દરમિયાન કોર્ટે સિખ સમુદાયની સુરક્ષા તેમજ ધાર્મિક કટ્ટરવાદ પર રોક લગાવવા માટે આકરુ વલણ અપનાવવા પર ભાર મુકયો હતો.
ઉલ્લેખનીય છે કે, રેડિયો હોસ્ટ હરનેકસિંહ નેકી પર 23 ડિસેમ્બર.2020ના રોજ હુમલો થયો હતો. ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ રસ્તામાં તેને આંતરી લઈને ચાકુના 40 ઘા માર્યા હતા. નેકીનો જીવ બચાવવા માટે સેંકડો સર્જરી કરવી પડી હતી. તેને 350 ટાંકા આવ્યા હતા.