ન્યૂયોર્કની સ્કૂલોમાં દિવાળીની જાહેર રજા પાળવામાં આવશે
- મેયરે દિવાળીને ખાસ તહેવાર ગણાવ્યો
- હિન્દુ સમુદાય 20 વર્ષથી દિવાળીએ સ્કૂલોમાં રજા જાહેર કરવાની માગ કરી રહ્યો હતો
ન્યૂયોર્ક : અમેરિકાના ન્યૂયોર્કની સ્કૂલોમાં દિવાળીની રજા જાહેર કરવામાં આવી હતી, જેને કારણે દિવાળીના દિવસે ન્યૂયોર્કની સ્કૂલો બંધ રહેશે. ન્યૂયોર્કના મેયરની ઓફિસના અધિકારીએ જણાવ્યું હતું કે આ દિવાળી ખાસ છે કેમ કે પ્રથમ વખત ન્યૂયોર્કની શાળાઓમાં દિવાળી રજા જાહેર કરાઇ છે.
જોકે ન્યૂયોર્કમાં અગાઉ ઇદની રજા પણ જાહેર કરવામાં આવી હતી, જેને કારણે હિન્દુઓએ હિન્દુઓના ધાર્મિક તહેવારો દરમિયાન પણ રજા આપવામાં આવે તેવી માગણી કરી હતી. જેનો આ વર્ષે સ્વીકાર કરવામાં આવ્યો હતો. દિવાળીની રજા રાખવાની જાહેરાત જૂન મહિનામાં કરવામાં આવી હતી. તેથી હવે આ દિવાળીએ ન્યૂયોર્કની શાળાઓને બંધ રાખવામાં આવશે.
ન્યૂયોર્કમાં રહેતા ભારતીય સમુદાય દ્વારા ૨૦ વર્ષથી માગણી કરવામાં આવી રહી હતી કે દિવાળીએ સ્કૂલોમાં જાહેર રજા પાળવામાં આવે. આટલા વર્ષો બાદ મોડા મોડા જાગેલા ન્યૂયોર્ક પ્રશાસને હિન્દુઓની માગણીનો સ્વીકાર કર્યો હતો. ન્યૂયોર્કના મેયરના કાર્યાલયના આંતરરાષ્ટ્રીય મામલાઓના કમિશનર દિલીપ ચૌહાણે મીડિયાને દિવાળીની રજા અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણયથી અમેરિકામાં રહેતા ભારતીય સમૂદાયને એક નવી ઓળખ મળી છે.