અમેરિકાના ન્યૂયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથ વચ્ચે ગોળીબાર, એકનું મોત, 5 ઘાયલ
ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
હાલ પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે
New York City Subway Station Shooting : અમેરિકામાં આડેધડ ગોળીબારની ઘટનાઓ રોકાવાનું નામ જ નથી લઈ રહી. અમેરિકાના ન્યુયોર્ક સિટી સબવે સ્ટેશન પર બે જૂથો વચ્ચે ગોળીબારની ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતી જ્યારે પાંચ અન્ય ઘાયલ થયા હતા. ઘટના સોમવારે બની હતી, હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે
અમેરિકામા છેલ્લા કેટલાય સમયથી ગોળીબારની ઘટના બની રહી છે અને તેમા સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોમવારે વધુ એકવાર ગોળીબારની ઘટના બની હતી. ન્યૂયોર્કના બ્રોન્ક્સ કન્ટ્રીના સબવે સ્ટેશન પર ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસને ટાંકીને સમાચાર એજન્સીએ સોમવારે સાંજે આ ઘટનાની જાણકારી આપી હતી. હુમલાનું કારણ જાણી શકાયું નથી. હાલ આ ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે.
છ લોકોને ગોળી વાગી હતી
સુત્રો દ્વારા મળતા અહેવાલો અનુસાર, સોમવારે સાંજે લગભગ 4:30 વાગ્યે (સ્થાનિક સમય), અધિકારીઓએ માઉન્ટ ઈડન એવેન્યુ સ્ટેશન પર ગોળીબારની ઘટના અંગે 911 પર આવેલા કોલનો જવાબ આપ્યો હતો. આ ઘટનામાં છ લોકોને ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું હતું. ન્યૂયોર્ક સિટી પોલીસ ડિપાર્ટમેન્ટ (NYPD) ટ્રાન્ઝિટ ચીફ માઈકલ એમ. કેમ્પરે સોમવારે રાત્રે મીડિયા બ્રીફિંગમાં પત્રકારોને આ માહિતી આપી હતી.