Get The App

નવા નિયમ: કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ અઠવાડિયામાં 24 કલાક જ કરી શકશે કામ, ભારતીયોને ફટકો

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
નવા નિયમ: કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓ અઠવાડિયામાં 24 કલાક જ કરી શકશે કામ, ભારતીયોને ફટકો 1 - image


Canada New rule : કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ આ મહિને અમલમાં આવનારાં નવા નિયમ અનુસાર ઓફ કેમ્પસ વર્ક એટલે કે યુનિવર્સિટી કેમ્પસ બહાર કામ કરવાના કલાકો અઠવાડિયામાં 24 પૂરતાં મર્યાદિત થશે જેને કારણે ભારતીય વિદ્યાર્થીઓને ટોરોન્ટો જેવા મોંઘા શહેરોમાં રહેવાનો ખર્ચ કાઢવામાં મુશ્કેલી પડશે. કોરોના મહામારી દરમ્યાન નિયમોમાં અપાયેલી છૂટની મર્યાદાઓ પણ 30 એપ્રિલે પુરી થઇ ચૂકી છે. જો કે, ઉનાળા અને શિયાળાની રજાઓ દરમ્યાન કામ કરવાના કલાકો પર કોઇ મર્યાદા લદાઇ નથી. 

2022માં કેનેડામાં કુલ 5.5 લાખ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ હતાં જેમાંથી 2.26 લાખ સ્ટુડન્ટ્‌સ ભારતીય હતા. કેનેડામાં હાલ કુલ 3.2 લાખ ભારતીય સ્ટુડન્ટ્‌સ ગીગ વર્કર તરીકે કામ કરી કેનેડાના અર્થતંત્રમાં તેમનું પ્રદાન આપી રહ્યા છે.

ઓફ કેમ્પસ એટલે કે યુનિવર્સિટીના કેમ્પસની બહાર મળતી નોકરીઓ કરીને સ્ટુડન્ટ્‌સ તેમનો રહેવા -ખાવાનો ખર્ચ કાઢતાં હોય છે. મોટાભાગની શિફ્‌ટ આઠ કલાકની રહેતી હોઇ નવા નિયમ અનુસાર સ્ટુડન્ટ્‌સ હવે દર અઠવાડિયે ત્રણ જ પાર્ટ ટાઇમ શિફ્ટમાં જ કામ કરી શકશે. જેના કારણે તેમને ખર્ચા કાઢવાનું ભારે પડશે.

કેનેડામાં મે મહિનાથી કલાક દીઠ 17.36 ડોલર્સનું મહેનતાણું અમલમાં આવ્યું છે પણ હવે સામે કામના કલાકો મર્યાદિત થવાને પરિણામે સ્ટુડન્ટસ માટે આ લાભ રહ્યો નથી ઉલટું મોટાં શહેરોમાં તો તેમના માટે  બે છેડાં ભેગાં કરવાનુ પણ મુશ્કેલ બની રહેશે. 2023માં કેનેડામાં કલાક દીઠ 16.65 ડોલર્સનું મહેનતાણું ચૂકવવામાં આવતું હતું.  

સ્ટુડન્ટ્‌સ જેમના માટે કામ કર્યા વિના છૂટકો નથી તેમણે ખર્ચ બચાવવા માટે મિત્રો સાથે ફરવા જવા અને પ્રવાસ કરવાની પ્રવૃત્તિઓ પર કાપ મુકી દીધો છે. તો વધારે મુશ્કેલ આર્થિક હાલત ધરાવતાં સ્ટુડન્ટ્‌સ રેન્ટ બચાવવા માટે બીજા સ્ટુડન્ટ્‌સ સાથે એપાર્ટમેન્ટ શેર કરવા માંડ્યા છે. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્‌સ જરૂરિયાતો પુરી કરવા માટે કામ કરે છે. દરેક સ્ટુડન્ટને વધારાની આવક વિના ભણવાનું પરવડે તેમ હોતું નથી.

બીજી તરફ કેનેડાની યુનિવર્સિટીઓમાં ભણાવતાં પ્રોફેસરોના મતે સ્ટુડન્ટ્‌સ હવે ભણવામાં વધારે ઘ્યાન આપી શકશે. સ્ટુડન્ટ્‌સ ઘણીવાર અભ્યાસને બદલે તેમના કામને અગ્રતાક્રમ આપતાં હોઇ તેમના શિક્ષણની ગુણવત્તા કથળે છે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. 


Google NewsGoogle News