રશિયાના હુમલાથી બેહાલ યુક્રેન પર નવું સંકટ : ઝેલેન્સ્કીની અમેરિકાની યાત્રા પૂર્વે પાંચ મંત્રીઓએ એકી સાથે રાજીનામા આપ્યાં
- શસ્ત્ર ઉત્પાદન મંત્રી ઓલેકઝાન્ડર કીમિશન અને બીજા મંત્રીઓનાં ત્યાગપત્ર સાથે ઝેલેન્સ્કી સરકાર વિમાસણમાં મૂકાઈ ગઈ છે
કીવ : રશિયાના હુમલાથી બેહાલ યુક્રેન નવી આફતમાં મુકાઈ ગયું છે, ઝેલેન્સ્કીની યુએસ યાત્રા પૂર્વે તેના પાંચ મંત્રીઓએ એકી સાથે રાજીનામા આપી દીધા છે. દરમિયાન મંગળવારે મધ્ય યુક્રેનના પોલ્ટામા શહેર ઉપર રશિયાએ બે બેલાસ્ટિક મિસાઈલ્સ છોડયા હતાં તે હુમલામાં ઓછામાં ઓછા ૫૧ લોકો માર્યા ગયા હતા. ૨૭૧ ઘાયલ થયા હતા ત્યાં અત્યારે બચાવ કામગીરી ચાલી રહી છે.
એક તરફ રશિયાના હુમલાથી યુક્રેન બેહાલ થઈ ગયું છે, તો બીજી તરફ તેના પાંચ મંત્રીઓએ એકી સાથે રાજીનામા આપી દીધાં છે.
યુક્રેનના શસ્ત્ર ઉત્પાદન મંત્રી ઓલેકઝાન્ડર કીમિશિનની સાથે ન્યાયમંત્રી ડેનિસ મલિસ્કા, પર્યાવરણ મંત્રી રૂસ્વાન સ્ટ્રાઈલેટસે રાજીનામાં આપ્યાં છે. કીમિશિને તો શસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત ઝેલેન્સ્કીના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ રોસ્ટીસાવ શૂરમાને બર્ખાસ્ત કરવામાં આવ્યાં છે.
ઝેલેન્સ્કીની પાર્ટીના વરિષ્ટ વિધાયક ડેવિડ અરાખામિયાએ કહ્યું હતું કે સરકારમાં હવે મોટા પાયે ફેરફાર થવાના છે. અર્ધાથી વધુ મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરવામાં આવનાર છે.
મંત્રીઓની આ કાર્યવાહી અંગે યુક્રેન સરકાર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જોકે ઝેલેન્સ્કીએ ગત સપ્તાહે જ સંકેત આપી દીધા હતા કે કેબિનેટમાં થોડા સમયમાં જ ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના છે.
તે જે હોય તે પરંતુ વિશ્લેષણકારોનું માનવું છે કે અઢી વર્ષથી પણ વધુ સમયથી ચાલી રહેલાં આ યુદ્ધનો કોઈ પણ ભોગે અંત લાવવો જ જોઈએ નહીં તો અસામાન્ય ખાનાખરાબી વિશેષ યુક્રેનમાં તો થઈ જ જશે, જે થઈ પણ રહી છે. ઝેલેન્સ્કીએ મમત્વ છોડી થોડી બાંધછોડ માટે તૈયાર રહેવું અનિવાર્ય છે.