મગજમાં ન્યૂરાલિંકની ચિપ : વિચારોથી કમ્પ્યુટર ચલાવ્યું
- મગજથી કમાન્ડ આપીને કમ્પ્યુટરમાં ચેસ રમતો હોય તેવો વિડીયો વાયરલ
- પેરાલિસીસ થતાં એ વ્યક્તિનો ગરદનથી નીચેનો હિસ્સો સંવેદન હિન બન્યો હતો : જાન્યુઆરીમાં તેના દિમાગમાં ન્યૂરાલિંકની પ્રથમ ચિપ બેસાડાઈ હતી
ન્યૂયોર્ક : ઈલોન મસ્કની કંપની ન્યૂરાલિંકે વિકસાવેલી બ્રેઈન ચિપ વર્ષની શરૂઆતે એક વ્યક્તિના દિમાગમાં બેસાડાઈ હતી. બ્રેઈન ચિપ ઈમ્પ્લાન્ટનું એ દુનિયાનું પ્રથમ ઓપરેશન હતું. હવે એ વ્યક્તિનો વિડીયો સામે આવ્યો છે. એમાં તેણે દિમાગથી કમાન્ડ આપીને કમ્પ્યુટર ચલાવ્યું હતું અને ચેસનો આનંદ પણ લીધો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ન્યૂરાલિંક કંપનીએ નોલેન્ડ આર્બગ નામના ૨૯ વર્ષના યુવાનના દિમાગમાં બ્રેઈન ચિપ ફિટ કરી હતી. જાન્યુઆરીમાં એનું સૌપ્રથમ ઓપરેશન થયું હતું. ન્યૂરાલિંકની બ્રેઈન ચિપ ધરાવતા આ યુવાનનું શરીર ગરદનથી નીચે સંપૂર્ણ પેરેલાઈઝ્ડ થઈ ચૂક્યું છે. તેને ક્વાડ્રાપ્લિઝિક નામની રેર બીમારી હોવાથી એ વ્હિલચેરમાં જ બેસી રહે છે.
બ્રેઈન ચિપથી તે દિમાગની મદદથી કમાન્ડ આપીને કમ્પ્યુટર સિસ્ટમ ઓપરેટ કરી શકે છે. ન્યૂરાલિંકે એ પ્રયોગોનો પ્રથમનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. એમાં એ વ્યક્તિ કમ્પ્યુટરને કમાન્ડ આપે છે. ગીતને વિચાર માત્રથી પ્લે અને સ્ટોપ કરી શકે છે. તેણે કોઈ સ્થળે હાથ અડાડયો ન હતો. ઈનફેક્ટ એ વ્યક્તિ હાથ અડાડી શકે એટલુંય તેનું શરીર હાલી ચાલી શકતું નથી. દિમાગથી જ ચેસ પણ રમે છે. ઓનલાઈન ચેસમાં એ માત્ર વિચાર કરીને કમ્પ્યુટર સિસ્ટમમાં ચાલ ચાલી શકે છે. એ વ્યક્તિની સાથે ન્યૂરાલિંકનો એક એન્જિનિયર પણ હતો. તેણે આ પ્રયોગનું મોનિટરિંગ કર્યું હતું. ચેસ રમતી વખતે નોલેન્ડ બોલતો સંભળાય છે : આ કૂલ છે. તેણે એવુંય કહ્યું કે હું ભાગ્યશાળી છું કે મારા દિમાગમાં આ ચિપ ઈમ્પ્લાન્ટ થઈ છે. તેણે ચેસનો અનુભવ શેર કરતા કહ્યું કે મેં દિમાગમાં એવું વિચાર્યું કે ડાબી તરફ તો ચાલ એ પ્રમાણે મૂવ થાય છે. આગળ-પાછળ, જે સ્થળે હું મૂકવાનું વિચારું એ સ્થળે પાસા પહોંચી જાય છે.
આનો વિડીયો વાયરલ થયો છે અને ચાર કરોડ લોકોએ એ વિડીયો જોયો છે. લોકોએ આ બ્રેઈન ચિપને ક્રાંતિકારી ગણાવી છે. આવી રીતે શરીર ચાલતું ન હોય તેમના માટે આ ટેકનોલોજી બહુ જ ઉપયોગી થઈ પડશે એવો મત વ્યક્ત કર્યો હતો.