ઈઝરાયેલને એફ-35 વિમાનોના સ્પેર પાર્ટસ પૂરા પાડવાનુ બંધ કરવામાં આવે, નેધરલેન્ડની કોર્ટનો સરકારને આદેશ
Image Source: Twitter
હેગ, તા. 13 ફેબ્રુઆરી 2024
ગાઝામાં હમાસ સામે જંગ લડી રહેલા ઈઝરાયેલને યુરોપના દેશ નેધરલેન્ડ તરફથી મોટો ઝાટકો વાગ્યો છે.
નેધરલેન્ડની એક કોર્ટે સરકારને આદેશ આપ્યો છે કે, ઈઝરાયેલને એફ-35 ફાઈટર જેટના સ્પેર પાર્ટસ આપવાનુ બંધ કરવામાં આવે.
ડિસેમ્બરમાં માનવાધિકાર માટે કામ કરતી ત્રણ સંસ્થાઓ ઓક્સફામ નોવિબ, પૈક્સ નેધલેનડ્ તેમજ ધ રાઈટ્સ ફોરમે ઈઝરાયેલ સામે માનવાધિકારના ભંગ બદલ ડિસેમ્બરમાં અદાલતમાં કેસ કર્યો હતો. આ મામલાની સુનાવણી બાદ કોર્ટે કહ્યુ હતુ કે, ઈઝરાયેલને નિકાસ કરવામાં આવી રહેલા એફ-35ના સ્પેર પાર્ટસનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાના ગંભીર ઉલ્લંઘનમાં થઈ શકે છે તે વાતની પૂરી શક્યતા છે.
કોર્ટે સરકારને સાત દિવસમાં આ સ્પેર પાર્ટસ પૂરા પાડવાનુ બંધ કરવા માટે આદેશ આપ્યો છે.
આ ચુકાદા બાદ વાણિજ્ય મંત્રી જેફ્રી લીઉવેને કહ્યુ હતુ કે, એફ-35 વિમાનો ઈઝરાયેલની સુરક્ષા માટે મહત્વપૂર્ણ છે. નેધરલેન્ડ અને બીજા દેશોનુ સંગઠન ઈઝરાયેલ સાથે મળીને કામ કરી રહ્યુ છે. અમે ભાગીદાર દેશો સાથે વાતચીત કરીશું કે કોર્ટના ચુકાદા અંગે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, નેધરલેન્ડમાં અમેરિકાનુ એફ-35 વિમાનો માટેના સ્પેર પાર્ટસ પૂરા પાડવાનુ એક ગોડાઉન આવેલુ છે. જે દેશો અમેરિકાના આ વિમાનોનુ સંચાલન કરે છે તેમને અહીંથી જરુરી સ્પેર પાર્ટસ પૂરા પાડવામાં આવે છે.
આ મામલા પર હજી સુધી ઈઝરાયેલની સરકારની કોઈ પ્રતિક્રિયા આવી નથી. ઈઝરાયેલ દ્વારા ગાઝામાં છેડવામાં આવેલા જંગમાં અત્યાર સુધી 28000 કરતા વધારે લોકોના મોત થયા હોવાનો ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયનો દાવો છે.