'...નહીતર ઘરમાં ઘૂસીને મારીશું...', ઈઝરાયલના પીએમ નેતન્યાહુની લેબેનોનના લોકોને ચેતવણી
Netanyahu Warning: ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ મંગળવારે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'ઈઝરાયલે હિઝબુલ્લાહના નવા ચીફ હાશેમ સફીદીનને ઠાર માર્યો છે. આ સાથે જ અમે લેબેનોનના લોકોને સંદેશ આપીએ છીએ કે, તમારા દેશમાંથી હિઝબુલ્લાહના આતંકવાદીઓને હાંકી કાઢો, નહીં તો ભારે તબાહી થશે. અમે હિઝબુલ્લાહની શક્તિનો નાશ કર્યો છે. તેના હજારો આતંકવાદીઓ માર્યા ગયા છે. હવે વર્ષો સુધી આ દેશ ફરીથી ઊભો નહીં થઈ શકે.'
ઈઝરાયલના વડાપ્રધાને લેબેનોનના લોકોને સંબોધતા કહ્યું કે, 'જો તમે ઈચ્છો તો શાંતિ વાળું લેબેનોન પાછું મેળવી શકો છો. તેને શાંતિ અને સમૃદ્ધિના માર્ગ પર લઈ જઈ શકો છો. જો તમે આવું નહીં કરો તો હિઝબુલ્લાને મારવા માટે અમારે તમારા ઘરો પર ઉતરવું પડશે અને ત્યાં આવીને વીણી-વીણીને મારવા પડશે. હવે શું કરવું એ તમારી પસંદગી છે.'
એક દિવસ પહેલા, ઈઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટે હાશેમ સફીદીનના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
10 લાખથી વધુ લોકો ઘરવિહોણા
લેબેનોન પર હાલ ઈઝરાયલની સેનાના હવાઈ હુમલા ચાલુ છે. ઈઝરાયલે છેલ્લા 24 કલાકમાં 137 હવાઈ હુમલા કર્યા છે. મોટેભાગે દક્ષિણ લેબનોન, બેરૂત અને બેકાને નિશાન બનાવવામાં આવ્યા હતા. 8 ઓક્ટોબર, 2023થી લઈને અત્યાર સુધીમાં ઈઝરાયલે લગભગ 10 હજાર રોકેટ છોડ્યા છે. જેના કારણે હજારો લોકો દક્ષિણ લેબનોનમાંથી ભાગી ગયા છે. ઘણા લોકોએ બંકરોમાં આશરો લીધો છે. એક અંદાજ મુજબ લેબનોનમાં 10 લાખથી વધુ લોકો એવા છે જેમની પાસે રહેવા માટે છત નથી.
આ પણ વાંચો: ઈરાને પરમાણુ બોમ્બ બનાવી લીધાની અટકળો, જાણો કયા દેશે આપી પરમાણુ ટેક્નોલોજી
ઈરાનના દૂતાવાસ નજીક હુમલો
ઈઝરાયલે ગયા મહિને લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હુમલાઓ વધાર્યા ત્યારથી 4,00,000થી વધુ લોકો પડોશી દેશ સીરિયામાં ભાગી ગયા છે. આમાંથી મોટાભાગના સીરિયન નાગરિકો હોવાનું કહેવાય છે. આ દરમિયાન મંગળવારે મોડી રાત્રે ઈઝરાયલે સીરિયાની રાજધાની દમાસ્કસ પર પણ હુમલો કર્યો હતો. જેની સીરિયન મીડિયાએ પુષ્ટિ કરી છે.
ઈઝરાયલ સુધી ટનલ બનાવવામાં આવી હતી
IDF એ લેબેનોનના મારવાહિન વિસ્તારથી 10 મીટર દૂર આવેલી ઈઝરાયલ સુધીની હિઝબુલ્લાહની ટનલ પણ શોધી કાઢી હતી. જેની તપાસ કરતા ત્યાંથી હથિયારો, વિસ્ફોટક ઉપકરણો અને એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ મળી આવી હતી. આ ટનલનું નિયંત્રણ સંપૂર્ણપણે હિઝબુલ્લાહ દ્વારા જ કરવામાં આવતું હતું.