7 ઓક્ટો. ફરી નહીં થવા દઈએ : હમાસ સામે નેતન્યાહૂ ફરી તૈયાર : હવે નવો પ્લાન ઘડયો છે
- ઇઝરાયલે રાફામાં સૈન્ય કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દીધી છે નેતન્યાહૂએ કહ્યું : અમે ત્યાં જશું જ, તેમને છોડીશું નહીં
તેલઅવીવ : ઇઝરાયલ હમાસ સામે ફરી જોરદાર કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. રવિવારે સાંજે ઇઝરાયલ વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ તેના સંકેતો આપી જ દીધા છે. તેઓનું કહેવું છે કે ઇઝરાયલ તે નિશ્ચિત કરવા માગે છે કે, ફરીવાર ૭ ઓક્ટોબર જેવો હુમલો ન થાય. ઇઝરાયલ રાફામાં સેનાકીય કાર્યવાહી ફરી જોરદાર રીતે કરવાની તૈયારીમાં છે.
રવિવારે સાંજે તેઓએ પત્રકારોને કહ્યું હતું કે, અમે ત્યાં જશું જ અમે તેમને છોડવાના નથી. તમો જાણો છો કે મારે એક સીમા છે. તમે તે પણ જાણો છો કે તે સીમા શી છે ? તે સીમા તે છે કે, હવે ૭મી ઓક્ટોબર અમે ફરી નહીં થવા દઈએ. હમાસ-આતંકીઓ સેનાને ખત્મ કરવી જ પડે.
તે સર્વવિદિત છે કે ગત ૭મી ઓક્ટોબરે હમાસ આતંકીઓએ ઇઝરાયલ ઉપર હુમલો કરી દીધો હતો. તેથી અનેકનાં મૃત્યુ થયાં હતાં. અનેકને બંધક બનાવાયાં હતાં. ત્યારથી બંને વચ્ચે ખૂની સંઘર્ષ ચાલી રહ્યો છે.
અમેરિકાના પ્રમુખ જો બાયેડેને શનિવારે કહ્યું હતું કે, ગાઝામાં થઈ રહેલું આ યુદ્ધ ઇઝરાયેલને સહાયભૂત થવાને બદલે તેને નુકસાન પહોંચાડી રહ્યું છે. જો બાયડેને ૭ ઓક્ટોબરે થયેલા હમાસના હુમલા પછી આત્મરક્ષણ માટે યુદ્ધ કરવાના ઇઝરાયલના અધિકારને સમર્થન તો આપ્યું જ છે. છતાં તેમ કહ્યું હતું કે યુદ્ધ દરમિયાન તે પણ ધ્યાન રાખવું જરૂરી છે કે આ યુદ્ધમાં નિર્દોષ નાગરિકો માર્યા ન જાય.
આ કથનો સામે નેતાન્યાહૂએ કહ્યું હતું કે, સમજાતું નથી કે અમેરિકાના પ્રમુખનો આ પાછળ હેતુ શો છે ? જો તેઓ તેમ માનતા હોય કે હું ઇઝરાયલી નાગરિકોની ઇચ્છા વિરુદ્ધ વર્તી રહ્યો છે એ ઇઝરાયલનાં હિતોને નુકસાન કરૂં છું તો તે બંને બાબતો તદ્દન નાપાયાદાર છે.