અરેસ્ટ વોરન્ટ મામલે નેતન્યાહુ ભડકયા, આપી દીધો રોકડો જવાબ
આ પગલું યહૂદીઓ વિરોધની ભાવનામાં આગ અને ઘી નાખવા જેવું છે.
આઇસીસીનો વકીલ એક વિકૃત અને ખોટી નૈતિક સમાનતા સ્થાપિત કરે છે
તેલઅવિવ,૨૨,મે,૨૦૨૪,બુધવાર
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના વકીલ કરીમખાન દ્વારા ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને હમાસના નેતાઓને અરેસ્ટ કરવાની અરજી કરતા નેતન્યાહુએ ભડકી ગયા છે. નેતન્યાહુએ એક વીડિયો મેસેજ જાહેર કરીને જણાવ્યું હતું કે કરીમખાન ઇઝરાયેલ નેતાઓ અને હમાસના વફાદારો વચ્ચે એક વિકૃત અને ખોટી નૈતિક સમાનતા સ્થાપિત કરી રહયા છે.
મંગળવારે અમેરીકી સમાચાર એજન્સી (એબીસી)ના એક કાર્યક્રમમાં ઇઝરાયેલથી ભાગ લેતા નેતન્યાહુએ જણાવ્યું હતું કે આ પગલું દુનિયા ભરમાં ફેલાઇ રહેલી યહૂદીઓ વિરોધની ભાવનામાં આગ અને ઘી નાખવા જેવું છે. ઇઝરાયેલી સમાચાર પત્ર હારેત્ઝમાં અહેવાલમાં જણાવાયું છે કે ઇઝરાયેલ કોર્ટના વકીલની માંગના જવાબમાં આઇસીસી પર પ્રતિબંધ લગાવવા માટે અમેરિકા સરકાર અને સંસદને રાજી કરવા માટે પ્રયાસ કરશે.
ઇઝરાયેલના જાણીતા સમાચારપત્ર ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયેલે ટાંકયું છે કે જો જો આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ દ્વારા વોરન્ટ ઇશ્યુ કરવામાં આવશે તો નેતન્યાહુ અને રશિયાના તાનાશાહ જેવા વ્લાદિમીર પુતિન એક સરખી હરોળમાં આવી જશે.
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના અધિવક્તા કરીમખાને વર્તમાન વીકની શરુઆતમાં નેતન્યાહુ અને ગાજા પટ્ટીમાં હમાસના નેતા યાહ્વાય સિનવાર સહિતના ૫ લોકોનું અરેસ્ટ વોરન્ટ બહાર પાડવાની માંગ કરી છે. ખાને તેઓ પર યુધ્ધઅપરાધો અને માનવતા વિરોધી કૃત્યો માટે જવાબદાર ઠેરવીને આંતરરાષ્ટીય અદાલતનું શરણ લીધું છે. ઇઝરાયેલી નેતાગીરીએ અરેસ્ટ વોરન્ટનો ઉગ્ર વિરોધ કર્યો છે.