નેતન્યાહૂએ મોદીને ફોન કર્યો : ઝેલેન્સ્કીએ અનુકૂળ સમયે યુક્રેન આવવા નિમંત્રણ આપ્યું

Updated: Jun 8th, 2024


Google NewsGoogle News
નેતન્યાહૂએ મોદીને ફોન કર્યો : ઝેલેન્સ્કીએ અનુકૂળ સમયે યુક્રેન આવવા નિમંત્રણ આપ્યું 1 - image


- 'બધાઈ હો' નેતન્યાહૂએ કહ્યું

- ભારતના નેતાને જો બાયડેન જ્યોર્જિયા મેલોની અને ઋષિ શુનક સહિત વિશ્વના ૫૦થી વધુ નેતાઓએ અભિનંદનો પાઠવ્યાં

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત તા. ૯મીને રવિવારે વડાપ્રધાન તરીકે ત્રીજીવાર શપથ લેવાના છે. ત્યારે ભારતના આ અગ્રીમ નેતાને જો બાયડેન, ઇટાલીનાં વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, ઇંગ્લેન્ડ વડાપ્રધાન ઋષિ શુનક સહિત વિશ્વના ૫૦થી વધુ અગ્રણીઓએ અભિનંદનો પાઠવ્યાં છે.

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ તો અભિનંદનો આપવાનો પ્રારંભ હીન્દી ભાષામાં 'બધાઈ હો' તે શબ્દોથી કર્યો હતો. તે સાથે કહ્યું હતું કે આપણી વ્યૂહાત્મક ભાગીદારી સતત આગળ વધતી રહે તેવી હું આશા રાખું છું. સામે નરેન્દ્ર મોદીએ, અભિનંદનો પાઠવવા બદલ ઇઝરાયલ વડાપ્રધાનનો આભાર માન્યો હતો.

યુક્રેનના પ્રમુખ વોલોડીમીર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન મોદીને ફોન કરી અભિનંદનો પાઠવ્યાં હતાં. તે સાથે રશિયા, યુક્રેન, યુદ્ધમાં શાંતિ સ્થાપવા માટે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનારી શાંતિ મંત્રણામાં ભાગ લેવા તેઓને આગ્રહ ભર્યું નિમંત્રણ પણ પાઠવ્યું હતું. ઝેલેન્સ્કીએ તે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અનુકૂળ સમયે યુક્રેન આવવા આમંત્રણ આપ્યું હતું.

આ અંગે વોલોડીમીર ઝેલેન્સ્કીએ તેઓનાં ઠ પોસ્ટ ઉપર લખ્યું હતું કે સ્વિત્ઝર્લેન્ડમાં યોજાનારી ગ્લોબલ પીસ સમિટમાં સર્વોચ્ચ કક્ષાએ સહભાગી થવા માટે મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિમંત્રણ આપ્યું છે.

પ્રત્યુત્તરમાં ભારતના વડાપ્રધાને કહ્યું : 'પ્રમુખ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરતાં મને ઘણી ખુશી થઇ છે. એનડીએ જૂથનાં આ ઐતિહાસિક વિજય માટે તેઓએ આપેલાં અભિનંદનો માટે હું તેઓનો આભારી છું, સાથે ભારત અને યુક્રેન વચ્ચેની વ્યાપક ભાગીદારી વધુ સુદ્રઢ બનાવવાની અમારી બંનેની ઇચ્છાને હું વધુ દ્યોતક બનાવવા માગું છું.'

યુક્રેનમાં શાંતિ સ્થાપવા અંગે જૂનમાં સ્વિત્ઝર્લેન્ડમાં મળનારી પરિષદમાં ભારત રચનાત્મક ભૂમિકા ભજવે અને રશિયાને પણ સમજાવે તેવી યુક્રેનની ઇચ્છા છે. ગત માર્ચ મહીનામાં યુક્રેનના વિદેશ મંત્રી, દીમીત્રો કુલેબાયે ભારતની મુલાકાત લીધી હતી. અને પાટનગરમાં ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ.જયશંકર સામે મંત્રણાઓ કરી હતી.

રશિયાના પ્રમુખ પુતિને પણ વડાપ્રધાન મોદીને તેઓના વિજય બદલ અભિનંદનો પાઠવતાં કહ્યું : 'મારાં હૃદયપૂર્વકનાં અભિનંદનો સ્વકારશો. ભારતમાં થયેલાં મતદાને તમારી ઉચ્ચ કક્ષાની રાજકીય ક્ષમતાને પુષ્ટિ આપી છે. તેમજ તમોએ ભારતને જ સામાજિક અને આર્થિક પ્રગતિના પંથે મૂક્યું છે તેનું એ મતદાન દ્યોતક છે. આ સાથે તેઓએ ભારતનાં હિતોને વિશ્વ મંચ ઉપર મુક્યાં છે. તે માટે હું તમારી સરાહના કરૃં છું.

આમ વિશ્વભરમાંથી મોદી ઉપર પ્રશંસાનાં પુષ્પો વરસી રહ્યાં છે. સાથે મોદી પાસેથી વિશ્વના અગ્રીમ દેશો ઘણી ઘણી આશાઓ રાખી રહ્યા છે.'

આશ્ચર્ય તે છે કે વિશ્વ મહાનુભાવોને અપાયેલાં આમંત્રણોમાં હજી સુધી પાકિસ્તાનના વડાપ્રધાનને આમંત્રણ મોકલાયું નથી. તો બીજી તરફ ભારત અને માલદીવના સંબંધોમાં ખટાશ આવી હોવા છતાં માલદીવના પ્રમુખ મોહમ્મદ મોઇજ્જુને આમંત્રણ અપાયું છે.


Google NewsGoogle News