ચોકોલેટના રેપર પર ભગવાનના ફોટા બદલ કંપનીએ માફી માંગી
લોકોએ ટ્વિટર પર રોષ વ્યક્ત કર્યો
કંપનીએ માફી માંગી તાત્કાલિક અસરથી પ્રોડ્કટ હટાવવાનો પ્રારંભ કર્યો
નવી દિલ્હીઃ મલ્ટીનેશનલ કંપની નેસ્લેએ ચોકોલેટના રેપર પર
ભગવાનનો ફોટો છાપવા બદલ માફી માંગી છે. તેની સાથે કંપનીએ જણાવ્યું હતું કે તે આ
પ્રકારના બધા પ્રોડક્ટ બજારમાંથી પરત મંગાવી રહી છે.
નેસ્લેની કિટકેટ બ્રાન્ડ પર ભગવાન જગન્નાથની તસ્વીર
છપાવવાની સાથે જ વિવાદ શરૃ થઈ ગયો. કેટલાય યુઝરે ટ્વિટર પર તેનો ફોટો શેર કરી તેની
સામે વાંધો ઉઠાવ્યો હતો. વાંધો ઉઠાવનારાઓએ જણાવ્યું હતું કે લોકો ચોકોલેટ ખાધા પછી
રેપર રસ્તાઓ પર, નાળામાં
કે કચરાટોપલીમાં ફેંકી દે છે. આ કારણે કંપનીએ રેપર પરથી ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને
સુભદ્રા માતાની તસવીર હટાવવી જોઈએ.
નેસ્લેએ તેનો જવાબ આપતા માફી માંગી અને બચેલી પ્રોડક્ટ્સ
બજારમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી. કંપનીએ જણાવ્યું હતું કે ટ્રાવેલ પેકનો
હેતુ સ્થાનિક સ્થળોની સુંદરતાની ઉજવણી કરવાનો છે. આ વાતને ધ્યાનમાં રાખતા ઓડિશાની
સંસ્કૃતિની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો હતો. તેના માટે યુનિક આર્ટ પટ્ટાચિત્રાની
ઝલક બતાવતી ડિઝાઇનનો પેક પર ઉપયોગ કરવામાં આવ્યો.
કંપનીએ જણાવ્યું હતું કે રેપર લાગેલી તસ્વીર ટુરિઝમ વેબસાઇટ
પરથી પ્રેરિત છે. આ આર્ટ અને તેની સાથે જોડાયેલા કલાકારો અંગે વધારે જાણકારી
મેળવવા લોકોને પ્રોત્સાહિત કરવા માંગતા હતા. અમારા પહેલા કેમ્પેઇનમાં તેવું સાબિત
થયું કે ગ્રાહકો આવી સુંદર ડિઝાઇનને તેની પાસે સંભાળીને રાખે છે. જો કે અમે આ
મામલાની સંવેદનશીલતાને સમજીએ છીએ. કંપનીએ જણાવ્યું હતું કે ભૂલથી પણ કોઈની ભાવનાને
ઠેસ પહોંચી છે તો અમે માફી માંગીએ છીએ. તેણે તાત્કાલિક અસરથી બજારમાંથી આ પ્રોડક્ટ
દૂર કરવાનો પ્રારંભ કર્યો છે.